Jamnagar

જામનગરના ધ્રોળ તાલુકાના હડમતીયા ગામની સીમમાં સિંહણના આંટાફેરાથી ગ્રામજનોમાં ફફડાટ

By GS Team
16 Aug 20262 mins read
TukuTouch Logo
જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના હડમતીયા ગામના વાડી વિસ્તારમાં સિંહણના આંટાફેરા જોવા મળતાં ગ્રામજનોમાં ભયનો માહોલ છે. બાવળની ઝાળમાંથી સિંહણ પસાર થતી હોવાનો વીડિયો વાયરલ થયો છે. વન વિભાગે સ્થળ પર તપાસ હાથ ધરી છે, પરંતુ સિંહણ હોવાની સત્તાવાર પુષ્ટિ નથી. આશરે 1 મહિના પહેલા મોખાણામાં દીપડો દેખાયો હતો, જેને વન વિભાગે પકડ્યો હતો.

Summarized by AI; it may make mistakes. Check important info

જામનગરના ધ્રોળ તાલુકાના હડમતીયા ગામની સીમમાં સિંહણના આંટાફેરાથી ગ્રામજનોમાં ફફડાટ

Jamnagar Lion News : જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના હડમતીયા ગામના વાડી વિસ્તારમાં સિંહણના આંટાફેરા જોવા મળતાં ગ્રામજનો અને ખેડૂતોમાં ભયનો માહોલ સર્જાયો છે. ગામની સીમમાં બાવળની ઝાળમાંથી સિંહણ પસાર થતી હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો છે.

થોડા સમય પૂર્વે જામનગર તાલુકાના મોખાણા ગામની સીમ વિસ્તારમાં દીપડો દેખાયો હતો. આશરે એક મહિના સુધીની જહેમત બાદ વન વિભાગે દીપડાને પાંજરે પૂરતાં ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો હતો. ત્યાં હવે ધ્રોલ પંથકના હડમતીયા ગામની સીમમાં સિંહણના આંટાફેરા જોવા મળ્યાની ચર્ચાથી ખેડૂતોમાં ચિંતા વધી છે.

હડમતીયા ગામની સીમમાં બાવળની ઝાળમાંથી સિંહણ પસાર થતી હોવાનો વીડિયો વાયરલ થયા બાદ વન વિભાગની ટીમ દ્વારા સ્થળ પર તપાસ હાથ ધરવામાં આવી છે. જોકે, સિંહણ હોવા અંગે વન વિભાગ દ્વારા હજુ સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી.

વન વિભાગની ટીમે સીમ વિસ્તારમાં તપાસ શરૂ કરી સિંહણના પગલાં કે અન્ય કોઈ નિશાન મળી આવે છે કે કેમ? તે અંગે શોધખોળ હાથ ધરી છે. બીજી તરફ હડમતીયા ગામના સરપંચ તેમજ સ્થાનિક અગ્રણીઓ પણ વન વિભાગની ટીમ સાથે સ્થળ પર પહોંચ્યા હતા, અને તપાસમાં સહકાર આપ્યો હતો.

સિંહણની હાજરી અંગે સત્તાવાર પુષ્ટિ થાય છે કે માત્ર વાયરલ વીડિયોના આધારે ચર્ચા ચાલી રહી છે તે અંગે હવે વન વિભાગની તપાસ બાદ જ સ્પષ્ટતા થશે. હાલ ગામની સીમમાં વન્યપ્રાણી જોવા મળ્યાની ઘટનાને પગલે ખેડૂતો અને ગ્રામજનોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.