બન્નીના ઘાસિયા મેદાનમાં 20 કાળિયાર મુક્ત કરાયા, પર્યાવરણ સંરક્ષણ ક્ષેત્રે ‘વનતારા’ અને ગુજરાત વન વિભાગનું ઐતિહાસિક પગલું
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vantara and Gujarat Forest Department bringing Banni back to life: ભારતના 80મા સ્વતંત્રતા દિવસે, ગુજરાત વન વિભાગે 'ગ્રીન્સ ઝૂઓલોજિકલ રેસ્ક્યુ એન્ડ રિહેબિલિટેશન સેન્ટર' (GZRRC - વનતારા)ના ટેકનિકલ સપોર્ટથી કચ્છના બન્ની ઘાસના મેદાનમાં 20 કાળિયાર મુક્ત કર્યા છે. આ અનોખા વિસ્તારમાં સ્થાનિક વન્યજીવો અને કુદરતી વાતાવરણને પુનઃજીવંત કરવાની દિશામાં આ એક સીમાચિહ્નરૂપ પગલું છે.

5 નર અને 15 માદા કાળિયારને બન્નીના ઘાસિયા મેદાનમાં મુક્ત કરાયા
સેન્ટ્રલ ઝૂ ઓથોરિટી (CZA) અને ગુજરાતના ચીફ વાઇલ્ડલાઇફ વોર્ડનની જરૂરી મંજૂરી મેળવ્યા બાદ જામનગર સ્થિત વનતારા કેન્દ્રમાંથી 5 નર અને 15 માદા કાળિયારને બન્ની લઈ જવાયા હતા. આ સમગ્ર પ્રક્રિયા પશુચિકિત્સકો દ્વારા આરોગ્ય ચકાસણી, ક્વોરન્ટાઇન (સંસર્ગનિષેધ), રોગમુક્તિ દેખરેખ અને સુરક્ષિત પરિવહનના તમામ પ્રોટોકોલનું પાલન કરીને હાથ ધરાઈ હતી.
આ પહેલનું મહત્ત્વ માત્ર 20 પ્રાણીઓને મુક્ત કરવા પૂરતું સીમિત નથી. સ્થાનિક શાકાહારી પ્રાણીઓને પાછા લાવવાથી બન્નીની કુદરતી પર્યાવરણીય વ્યવસ્થા મજબૂત થશે, શિકારી અને શિકાર વચ્ચેનું સંતુલન જળવાશે અને ઘાસના મેદાનની સમગ્ર ઇકોસિસ્ટમ વધુ સમૃદ્ધ બનશે.

કચ્છ સ્થિત બન્ની માલધારી સમાજ અને વન્યજીવોનો મુખ્ય આધાર
કચ્છના બન્નીમાં ઘાસના વિશાળ મેદાન આવેલા છે, જે સ્થાનિક માલધારી સમુદાયો અને વિવિધ વન્યજીવોનો મુખ્ય આધાર છે. કાળિયાર, ચિંકારા, નીલગાય અને જંગલી ડુક્કર ઐતિહાસિક રીતે આ વિસ્તારના કુદરતી રહેવાસી છે. તેમના કુદરતી આવાસનું સંરક્ષણ અને યોગ્ય વ્યવસ્થાપન કરવાથી આ પ્રદેશની જૈવવિવિધતા પુનઃસ્થાપિત કરવામાં મદદ મળશે.
આ યોજના ભારતની મૂળ પ્રાણી-પ્રજાતિઓના સંરક્ષણ અને ઘાસના મેદાનોના પુનરુત્થાનના દેશવ્યાપી સંકલ્પને દર્શાવે છે, જેને માનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ સતત પ્રોત્સાહન મળી રહ્યું છે. આ વિચાર હેઠળ શરૂ થયેલા 'પ્રોજેક્ટ ચિત્તા'માં પણ પર્યાવરણ સુધારણા, ઘાસના મેદાનોનો વિકાસ, શિકારના આધારને મજબૂત કરવા, વૈજ્ઞાનિક પદ્ધતિઓ અને સ્થાનિક લોકોની ભાગીદારીને પ્રાધાન્ય અપાયું છે.

પ્રાણીઓનો પુનઃવસવાટ એટલે તેમને જંગલમાં છોડી દેવા નહીં
આ પ્રસંગે ગુજરાતના ચીફ વાઇલ્ડલાઇફ વોર્ડન ડૉ. જયપાલ સિંહે જણાવ્યું હતું કે, ‘કુદરતી વાતાવરણને સ્વસ્થ બનાવવા માટે સ્થાનિક વન્યજીવોનું પુનર્વસન ખૂબ જરૂરી છે. સ્વતંત્રતા દિવસે બન્નીમાં 20 કાળિયાર મુક્ત કરવા એ આ ઘાસના મેદાનની જૈવવિવિધતા પાછી મેળવવાના અમારા પ્રયાસોનું એક સીમાચિહ્નરૂપ કદમ છે. આ પ્રકારના કાર્ય માટે વૈજ્ઞાનિક અભિગમ, સતત દેખરેખ અને સહયોગ જરૂરી છે. નિયમો અનુસાર આ કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ કરવા બદલ અમે વનતારાની તકનીકી સહાયની પ્રશંસા કરીએ છીએ.’
વનતારાના કમ્પ્લાયન્સ એન્ડ ડ્યુ ડિલિજન્સ વિભાગના સ્પેશિયલ ડિરેક્ટર અજિત કુલકર્ણીએ જણાવ્યું હતું કે, “સ્વતંત્રતા દિવસ જેવા ઐતિહાસિક પ્રસંગે ભારતના કુદરતી વન્યજીવોને તેમના મૂળ આવાસમાં પાછા ફરવામાં મદદ કરવાથી મોટો કોઈ ગર્વ ન હોઈ શકે. પ્રાણીઓને પુનઃવસાવવા એટલે માત્ર તેમને જંગલમાં છોડી દેવા પૂરતું નથી; એ માટે તેમના કુદરતી આવાસ, પ્રજાતિની જરૂરિયાતો, વસ્તીનું સમાયોજન અને સ્થાનિક લોકોના સહકારની ઊંડી સમજ હોવી જરૂરી છે. ગુજરાત સરકાર અને વન વિભાગના સંરક્ષણ વિઝનમાં જોડાઈને તકનીકી યોગદાન આપવાનો અમને ગર્વ છે.”
શાકાહારી પ્રાણી સંરક્ષણના મહત્ત્વાકાંક્ષી અભિયાનનો ભાગ
બન્નીમાં કાળિયાર છોડવાનું કાર્ય સમગ્ર ગુજરાતમાં શાકાહારી પ્રાણીઓની સંખ્યા વધારવાના એક વ્યાપક આયોજનનો ભાગ છે. કેન્દ્રીય પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલયે રાજ્યમાં યોગ્ય સ્થળોએ 500 કાળિયાર અને 100 ચિંકારાને ખસેડવાની મંજૂરી આપી છે, જેમાં ગુજરાતના ચીફ વાઇલ્ડલાઇફ વોર્ડન માર્ગદર્શન પૂરું પાડી રહ્યા છે.
આ મહત્ત્વાકાંક્ષી અભિયાન ચિત્તા પુનર્વસન પ્રોજેક્ટ માટે શિકારનો યોગ્ય આધાર (Prey Base) તૈયાર કરવામાં પણ મદદરૂપ થશે. બન્ની ગ્રાસલેન્ડ ફોરેસ્ટ ડિવિઝને આ મોટા સ્થળાંતર કાર્ય માટે વનતારા પાસેથી ટેકનિકલ મદદ માંગી હતી, જેમાં પ્રાણીઓના સુરક્ષિત પરિવહન માટેના ખાસ વાહનો, પોર્ટેબલ બોમા સિસ્ટમ અને વેટરનરી ડૉક્ટરોની ટીમ સામેલ છે.
અગાઉ પણ વન વિભાગની મંજૂરીથી વનતારાએ બરડા વન્યજીવ અભયારણ્યમાં લગભગ 80 ચિત્તલ (હરણ) છોડવામાં મદદ કરી હતી, જેનાથી એશિયાટિક સિંહોના વિસ્તારમાં પર્યાવરણીય સંતુલન જાળવવામાં મોટો ફાયદો થયો હતો.
વન્યજીવ ક્ષેત્રે 'વનતારા'નું અત્યંત મહત્ત્વનું યોગદાન
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અનંત અંબાણી દ્વારા સ્થાપિત 'વનતારા' એ પ્રાણી કલ્યાણ અને વન્યજીવ સંરક્ષણ માટે કાર્યરત અગ્રણી સંસ્થા છે. તેના ‘એક્સ-સીટુ’ (Ex-situ) કાર્યક્રમો હેઠળ બીમાર કે મુશ્કેલીમાં મુકાયેલા પ્રાણીઓનો રેસ્ક્યૂ, સારવાર, પોષણ અને આધુનિક પશુચિકિત્સા અપાય છે. આ ઉપરાંત, લુપ્તપ્રાય પ્રજાતિઓને તેમના કુદરતી આવાસમાં પુનઃમોકલી શકાય તે માટે વનતારા દ્વારા વિશેષ બ્રીડિંગ પ્રોગ્રામ પણ ચલાવાય છે.
ગુજરાત વન વિભાગ અને 'વનતારા' સંસ્થાએ સાથે મળીને બન્ની વિસ્તારમાં શાકાહારી પ્રાણીઓને પુનઃવસાવવાનું મહત્વપૂર્ણ અભિયાન શરૂ કર્યું છે. આ પહેલથી ભારતના સૌથી મહત્ત્વપૂર્ણ ઘાસના મેદાનોમાંના એક એવા બન્નીનું કુદરતી સંતુલન વધુ મજબૂત બનશે.









