જામનગરમાં વાઘેર વાડા વિસ્તારમાં જૂની અદાવતના કારણે બે યુવાનો પર તલવાર ધોકા પાઇપ વડે જીવલેણ હુમલો
- નવ જેટલા શખ્સો સામે પથ્થરમારો કરી ખૂની હુમલો કર્યાની ફરિયાદ; બન્ને સારવાર હેઠળ
- સામા પક્ષે પણ આઠ શખ્સ સામે હુમલો કર્યાની વળતી ફરીયાદ
જામનગર, તા. 5 મે 2020, મંગળવાર
જામનગરમાં વાઘેર વાડા વિસ્તારમાં ગઇકાલે રાત્રે જૂની અદાવતના કારણે બે જૂથ વચ્ચે તકરાર થઈ હતી. બે યુવાનો ઉપર તલવાર પાઇપ ધોકા જેવા હથિયારો વડે નવ જેટલા શખ્સો તૂટી પડયા હતા, અને પથ્થરમારો કરી ગંભીર ઈજા પહોંચાડી હતી. જેથી બન્નેને લોહી નીતરતી હાલતમાં સારવાર માટે જી.જી હોસ્પિટલમાં ખસેડાયા હતા. આ બનાવની જાણ થતા પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો, અને સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લીધો હતો. પોલીસે બન્ને યુવાનો ઉપર હુમલો કરવા અંગે 9 જેટલા આરોપી તથા અન્ય માણસો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. સામા પક્ષે પણ આઠ શખ્સો સામે હુમલાની વળતી ફરિયાદ નોંધાવાઈ છે.
આ ચકચાર જનક હૂમલાના બનાવની વિગત એવી છે કે, જામનગરમાં વાઘેર વાડા વિસ્તારના રહેતો અને કેબલનો વ્યવસાય કરતો અફઝલ મોહમ્મદ ભાયા (ઉમર વર્ષ-25) અને તેનો મિત્ર હુસેન બંને ગઈકાલે રાત્રે વાઘેર વાડા ચોકમાંથી પસાર થઇ રહયા હતા. જે દરમિયાન આજથી બે- અઢી વર્ષ પહેલાની જૂની અદાવતના કારણે સલીમ આદમ બસર સહિતના નવ જેટલા શખ્સોએ તેમને અટકાવ્યા હતા, અને પથ્થર મારો કર્યો હતો. ત્યાર પછી તલવાર- ધોકા- પાઇપ જેવા હથિયારો વડે હુમલો કરી દેતાં બંને યુવાનો લોહીલુહાણ થઇ ગયા હતા. અને બંનેને સારવાર માટે જામનગરની જી.જી.હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
આ હુમલાના બનાવની જાણ થતા પોલીસ કાફલો ઘટનાસ્થળે તેમજ જી જી હોસ્પિટલમાં દોડી ગયો હતો અને સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લીધો હતો.
પોલીસે ઇજાગ્રસ્ત યુવાન અફઝલ મોહમ્મદ ભાયાની ફરિયાદના આધારે સલીમ આદમ બસર, ઇમરાન આદમ બસર, સબીર હાજી ગંઢાર, સાદિક હાજી, અબુ હાજી, યાસીન હારુંન, ટીપુ હારૂન, સાયરા અસગર, મુમતાજ બસીર તથા અન્ય અજ્ઞાત શખ્સો સામે હત્યા પ્રયાસ અંગેની કલમ 307 ઉપરાંત 324, 323, 504, 143, 147, 148, 149, તથા જી.પી.એક્ટ કલમ 135-1 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
આ બનાવ પછી સામા પક્ષે સલીમ આદમભાઈ બસર નામના 30 વર્ષના યુવાને પોતાના ઉપર તેમજ અન્ય વ્યક્તિ પર હુમલો કરવા અંગે મોસીન મોહમ્મદ ભાયા, અફઝલ મોહમ્મદ ભાયા, હુસેન મોહમ્મદ ભાયા વગેરે આઠ શખ્સો સામે વળતી ફરિયાદ નોંધાવી છે.