જામનગરમાં સોયલ ટોલનાકા પાસે દારૂ ભરેલી ટ્રક ઝડપાઈ : વિદેશી દારૂની 1,500 પેટીઓ સાથે 82.05 લાખનો મુદ્દામાલ જપ્ત
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Jamnagar Liquor Raid : જામનગર જિલ્લામાં દારૂબંધીના કાયદાનો ભંગ કરી વિદેશી દારૂની હેરાફેરી કરતા તત્વો સામે પોલીસ દ્વારા ચલાવવામાં આવી રહેલી ઝુંબેશ દરમિયાન ધ્રોલ પોલીસે સોયલ ટોલનાકા પાસેથી વિદેશી દારૂ ભરેલી ટ્રક ઝડપી પાડી રૂ.82,05,500નો મુદ્દામાલ કબજે કર્યો છે. ટ્રકમાંથી વિદેશી દારૂની નાની બોટલોની 1,500 પેટીઓ, કુલ 72 હજાર બોટલનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે ટ્રકચાલકને ઝડપી લીધો છે, જ્યારે દારૂનો જથ્થો મંગાવનાર બે શખ્સો અને મોકલનાર એક શખ્સ સહિત ત્રણ આરોપીઓને વોન્ટેડ જાહેર કરી શોધખોળ હાથ ધરી છે.
રાજકોટ વિભાગના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય તથા જામનગર જિલ્લા પોલીસ અધિક્ષક ડો.રવિ મોહન સૈનીની સૂચના અને જામનગર ગ્રામ્ય વિભાગના ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક મિત રૂદલાલના માર્ગદર્શન હેઠળ ધ્રોલ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર પી.એન.ખાચર સહિતનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. દરમિયાન રાજકોટ તરફથી એક ટ્રકમાં મોટા પ્રમાણમાં વિદેશી દારૂ ભરી જામનગર તરફ લઈ જવાતો હોવાની સંયુક્ત બાતમી મળતાં પોલીસ દ્વારા સોયલ ટોલનાકા પાસે વોચ ગોઠવવામાં આવી હતી.
બાતમીના આધારે શંકાસ્પદ ટ્રકને અટકાવી તલાશી લેતાં તેમાંથી વિદેશી દારૂની નાની બોટલો ભરેલી કુલ 1,500 પેટીઓ મળી આવી હતી. પેટીઓમાં કુલ 72,000 બોટલ વિદેશી દારૂનો જથ્થો હોવાનું સામે આવ્યું હતું. પોલીસે દારૂ ઉપરાંત ટ્રક, મોબાઈલ ફોન અને અન્ય સામગ્રી મળી કુલ રૂ.82,05,500નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
કબજે કરાયેલા મુદ્દામાલમાં વિદેશી દારૂની 72,000 બોટલ, કિંમત રૂ.72 લાખ, ટાટા કંપનીનો ટ્રક નંબર જીજે-25-યુ-8811, કિંમત રૂ.10 લાખ, એક મોબાઈલ ફોન તેમજ બે તાલપત્રી અને દોરડુંનો સમાવેશ થાય છે. આ પ્રકરણમાં પોલીસે ભગીરથ ઉર્ફે ભગો નાથાભાઈ કટારા (ઉંમર 23, ધંધો ડ્રાઈવિંગ, રહે. બાવળવાવ ગામ, તા. જિ. પોરબંદર)ને ઝડપી લીધો છે. જ્યારે દારૂનો જથ્થો મંગાવનાર આલાભાઈ ખીમાભાઈ કોડીયાતર અને પોપટ આલાભાઈ કોડીયાતર, (બંને રહે. રાણપર, તા. ભાણવડ, જિ. દેવભૂમિ દ્વારકા) તેમજ દારૂનો જથ્થો મોકલનાર રાજુભાઈ મારવાડી (રહે. ભીલવાડા, રાજસ્થાન)ને વોન્ટેડજાહેર કરવામાં આવ્યા છે.
હાલ ઝડપાયેલા આરોપીની પૂછપરછ તથા વોન્ટેડ શખ્સોને પકડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. દારૂનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો, કોના સુધી પહોંચાડવાનો હતો અને આ હેરાફેરીના નેટવર્કમાં અન્ય કોણ સંડોવાયેલું છે તે અંગે ધ્રોલ પોલીસ દ્વારા વધુ તપાસ ચલાવવામાં આવી રહી છે.



