જામજોધપુર તાલુકાના ભોજાબેડી ગામનો કરુણાજનક કિસ્સો: નાની બહેનને ડુબતી બચાવવા પડેલી મોટી બહેને જીવ ખોયો

જામનગર, તા. 13 ડિસેમ્બર 2021 સોમવાર
જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના ભોજાબેડી ગામમાં ગઈકાલે કરૂણા જનક કિસ્સો બન્યો છે. 10 વર્ષની નાની બહેન ને ડૂબતી બચાવવા જતાં 13 વર્ષની મોટી બહેને પોતાનો જીવ ગુમાવ્યો છે જ્યારે ત્યાંથી પસાર થનારા એક વ્યક્તિએ નાની બહેન નો હાથ ખેંચી લેતાં તેણી બચી ગઇ છે. પરંતુ મોટીબેન ઊંડા પાણીમાં ગરકાવ થઇ જતાં ડૂબી જવાથી કરૂણ મૃત્યુ નિપજયુ છે.
આ બનાવની વિગત એવી છે કે જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના ભોજાબેડી ગામમાં રહેતા બાવાભાઈ ભવાનભાઈ સરસિયાની બે પુત્રીઓ આરતીબેન બાવાભાઈ સરસીયા (ઉ.વ. 13) તેમજ પાયલબેન સરસીયા (ઉં.વ.10) કે જે બંને ગઈકાલે બપોરે બારેક વાગ્યાના અરસામાં ગામની નદીના કાંઠે કપડાં ધોવા માટે ગઈ હતી.
જ્યાં નાની બહેન પાયલ પાણીમાં નહાવા માટે પડી હતી, દરમિયાન તેણી ડૂબવા લાગતાં બુમો પાડી હતી. જેથી મોટી બહેન આરતી કે જેણે પોતાની બહેનને બચાવવા માટે પાણીમાં ઝંપલાવી દીધું હતું.
દરમિયાન મોટી બહેન પણ ડૂબવા લાગી હતી. આ સમયે ત્યાંથી ઇકબાલ ભાઈ નામની વ્યક્તિ પસાર થઇ રહી હોવાથી તેણે તુરત જ પાણીમાં ઉતરીને નાની બહેન પાયલ નો હાથ પકડી ને બહાર ખેંચી લીધી હતી. ત્યાર પછી મોટી બહેન આરતી ને બચાવવાનો પ્રયત્ન કરતાં તેણી ઊંડા પાણીમાં ચાલી ગઇ હતી, અને ડૂબી જવાના કારણે તેણીનું મૃત્યુ નીપજયું હતું.
આ કરૂણાજનક કિસ્સા ને લઈને ભરવાડ પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું. મૃતક તરૂણીના મોટા બાપુ ઓઘડભાઈ સરસીયા એ પોલીસને જાણ કરતાં શેઠવડાળા પોલીસ સ્ટેશનનો સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો, અને આરતી બહેનના મૃતદેહને પાણીમાંથી બહાર કઢાવી પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે.




