જામજોધપુર તાલુકાના ભુપત આંબરડીમાં જમીન વિવાદમાં મામાએ ભાણેજ પર લાકડી વડે હુમલો કર્યા ની ઘટના થી ભારે ચકચાર
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Jamnagar: જામજોધપુર તાલુકાના ભુપત આંબરડી ગામે ખેતીની જમીનના વિવાદમાં સગા મામાએ ભાણેજ પર લાકડી વડે હુમલો કરી ઇજા પહોંચાડ્યાની ફરિયાદ નોંધાતા પોલીસે બે આરોપીઓ સામે ગુનો નોંધ્યો છે.
ફરિયાદી વિમલભાઈ સોમાતભાઈ વાણીયા (ઉં.વ. 34), હાલ જડેશ્વર પાર્ક, ખેતલાદાદાની ડેરી પાસે, જામનગર અને મૂળ રહેવાસી ભુપત આંબરડી ગામના જણાવ્યા મુજબ, તેમની માતાના સંયુક્ત નામે આવેલી ખેતીની જમીનમાં તેમના મામા સવદાસભાઈ વાવેતર કરતા હોવાથી તેમને વાવેતર ન કરવા જણાવવા માટે તેઓ અને તેમની માતા 17 જુલાઈના રોજ બપોરે આશરે ત્રણ વાગ્યે ખેતરે ગયા હતા.
ત્યાં સવદાસભાઈ તથા તેમની પત્ની હાજર હતા. આ દરમિયાન જમીનના મુદ્દે ઉગ્ર બોલાચાલી થઈ હતી. ફરિયાદ મુજબ સવદાસભાઈએ ઉશ્કેરાઈ જઈ ફરિયાદીને ગાળો આપી હાથમાં રહેલી લાકડી વડે ડાબા પગમાં માર મારતા તેઓ ખેતરની વંડી પરથી નીચે પડી ગયા હતા અને તેમને ઇજા પહોંચી હતી. ત્યારબાદ તેમની માતાએ વચ્ચે પડી તેમને બચાવ્યા હતા.
ફરિયાદમાં વધુમાં જણાવાયું છે કે બંને આરોપીઓએ ફરિયાદીને જમીનમાં ફરી ક્યારેય પગ નહીં મૂકવાની ધમકી આપી, ગાળાગાળી કરી તેમજ ટાંગો ભાંગી નાખવાની અને જાનથી મારી નાખવાની ધમકી ઉચ્ચારી હતી.
બનાવમાં ઇજાગ્રસ્તને સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પોલીસ સમક્ષ નોંધાયેલી ફરિયાદના આધારે ભારતીય ન્યાય સંહિતા, 2013ની કલમ 115(2), 352, 351(3), 54 તથા ગુજરાત પોલીસ અધિનિયમની કલમ 135(1) હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.




