Jamnagar

જામનગરના ધ્રોલમાં ભારતમાલા હાઇવેના RCC રોડ બનાવવાના મશીનમાંથી જનરેટરની ચોરીનો ભેદ ઉકેલાયો : રૂ.7.41 લાખના મુદ્દામાલ સાથે 5 આરોપીઓ ઝડપાયા

By GS Team
7 Sep 20262 mins read
TukuTouch Logo
જામનગરના ધ્રોલ-જોડિયા રોડ પર ભારતમાલા હાઇવેના નિર્માણ સ્થળેથી 6 લાખના જનરેટરની ચોરીનો ભેદ ઉકેલાયો છે. ધ્રોલ પોલીસે 3 સપ્ટેમ્બરની રાત્રિના ગુનામાં 5 આરોપીઓને 7.41 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે. સી.સી.ટી.વી. અને ટેકનિકલ તપાસથી શબીર શેખ સહિતના આરોપીઓ મોટરસાઇકલ-રિક્ષામાં મુદ્દામાલ સાથે ભૂચર મોરી પાસેથી ઝડપાયા. ચોરીમાં વપરાયેલા વાહનો અને સાધનો પણ કબજે કરાયા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

જામનગરના ધ્રોલમાં ભારતમાલા હાઇવેના RCC રોડ બનાવવાના મશીનમાંથી જનરેટરની ચોરીનો ભેદ ઉકેલાયો : રૂ.7.41 લાખના મુદ્દામાલ સાથે 5 આરોપીઓ ઝડપાયા

Jamnagar Theft Case : જામનગર જિલ્લાના ધ્રોલ-જોડિયા રોડ પર બની રહેલા ભારતમાલા હાઇવેના આર.સી.સી. રોડ બનાવવાના મશીનમાંથી રૂ. 6 લાખની કિંમતના જનરેટરની ચોરીના વણશોધાયેલા ગુનાનો ધ્રોલ પોલીસે ભેદ ઉકેલી પાંચ આરોપીઓને કુલ રૂ.7.41 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે. તા. 3 સપ્ટેમ્બરની રાત્રે બીલેશ્વર મહાદેવ મંદિર પાસે હાઇવેના કામ દરમિયાન મશીનમાંથી જનરેટર અજાણ્યા શખ્સો ચોરી ગયા હોવાની ફરિયાદ નોંધાઈ હતી.
ધ્રોલ પોલીસ દ્વારા સી.સી.ટી.વી. કેમેરાના ફૂટેજ, ટેકનિકલ તેમજ હ્યુમન સોર્સની મદદથી તપાસ હાથ ધરવામાં આવી હતી. દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે ચોરીના આરોપીઓ મોટરસાઇકલ તથા છકડો રિક્ષા લઈને ભૂચર મોરી મેદાન પાછળથી જેશલપીરની જગ્યા તરફથી ધ્રોલ તરફ આવી રહ્યા છે. જેના આધારે ધ્રોલ ચેકપોસ્ટ પાસે વાહન રોકી તપાસ કરતાં પાંચ શખ્સોને ચોરીના મુદ્દામાલ તથા ચોરીમાં ઉપયોગમાં લેવાયેલા વાહનો અને સાધનો સાથે ઝડપી લેવામાં આવ્યા હતા.
પકડાયેલા આરોપીઓમાં શબીર સલીમભાઇ શેખ (ઉ.વ.23), ધનજીભાઇ ભીખાભાઇ સોલંકી (ઉ.વ.30), અલ્ફાઝ સુલતાનભાઇ મેવાણા (ઉ.વ.19), તુલશી ઉર્ફે અલ્પેશ ધીરૂભાઇ રાઠોડ (ઉ.વ.23) તથા એક કાયદાના સંઘર્ષિત કિશોરનો સમાવેશ થાય છે.
પોલીસે આરોપીઓ પાસેથી આર.સી.સી. રોડ બનાવવાના મશીનના જનરેટરના સ્પેર પાર્ટ્સ, પ્લાસ્ટિકની બેગમાં ભરેલા કોપર વાયરના નાના બંડલ તથા જનરેટરના અલગ-અલગ ભાગો મળી રૂ. 6 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ ઉપરાંત રૂ. 40 હજારની કિંમતની જાવા મોટરસાઇકલ, રૂ.1 લાખની છકડો રિક્ષા તથા ચોરીમાં ઉપયોગમાં લેવાયેલા લોખંડના હથોડા, ટોમી, છીણી, વાયર કટીંગ કટર અને બોલ્ટ ખોલવાના ત્રણ પાના સહિતનો મુદ્દામાલ મળી કુલ રૂ.7.41 લાખનો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો છે.
આ અંગે ધ્રોલ પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા-2023ની કલમ 303(2) મુજબ ચોરીનો ગુનો નોંધાયો હતો.