જામનગરની મધ્યે આવેલા રણમલ તળાવમાં અનેક કાચબા અને માછલાંના મોતથી જીવદયાપ્રેમીઓમાં ચિંતા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Jamnagar News : જામનગર શહેરના રણમલ તળાવમાં અચાનક એક ડઝન જેટલા કાચબા તેમજ માછલાં મૃત હાલતમાં મળી આવતાં ચકચાર મચી છે. એકસાથે મોટી સંખ્યામાં જળચર જીવોના મોતની ઘટનાને પગલે પર્યાવરણ અને જીવદયા પ્રેમીઓમાં ચિંતા પ્રસરી છે. તળાવનું પાણી દૂષિત થયું હોવાની આશંકા વચ્ચે સમગ્ર મામલે તંત્ર દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.
લાખોટા તળાવમાં કાચબા અને માછલાંના મોતનું ચોક્કસ કારણ હજુ સુધી બહાર આવ્યું નથી. જોકે, પાણીમાં કોઈ હાનિકારક તત્વ અથવા પ્રદૂષણ ભળ્યું હોવાની આશંકા વ્યક્ત થઈ રહી છે. ઘટનાની જાણ જામનગર મહાનગરપાલિકાના કંટ્રોલ રૂમને થતાં તાત્કાલિક ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડને જાણ કરવામાં આવી હતી અને પાણીના નમૂના લઈ તપાસ કરવા અંગે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
આ બાદ જીપીસીબીના અધિકારી જી.બી.ભટ્ટ સહિતની ટીમ લાખોટા તળાવ ખાતે પહોંચી હતી, અને તળાવના અલગ-અલગ વિસ્તારોમાંથી પાણીના નમૂના લેવાની કામગીરી શરૂ કરી હતી. પાણીની ગુણવત્તા, તેમાં ઓક્સિજનનું પ્રમાણ તેમજ કોઈ હાનિકારક કે રાસાયણિક તત્વની હાજરી છે કે કેમ તે સહિતના મુદ્દાઓની તપાસ બાદ જ જળચર જીવોના મોતનું ચોક્કસ કારણ સ્પષ્ટ થઈ શકશે.
બીજી તરફ કાચબા અને માછલાંના મોતની ઘટનાને લઈને જામનગરનું મત્સ્યોદ્યોગ વિભાગ પણ દોડતું થયું છે. તળાવમાંથી મૃત માછલાં અને અન્ય જળચર જીવોના મૃતદેહોને બહાર કાઢવાની કામગીરી સાથે તેમના મોત પાછળના સંભવિત કારણોની પણ તપાસ કરવામાં આવી રહી છે. પાણીની સ્થિતિ, જળચર જીવો પર તેની અસર તેમજ અન્ય પરિબળો અંગે પણ જરૂરી ચકાસણી હાથ ધરાઈ રહી છે.
એકસાથે આટલી સંખ્યામાં કાચબા અને માછલાંના મોત સામાન્ય ઘટના ન હોવાનું જણાવી પર્યાવરણપ્રેમીઓએ સમગ્ર મામલે ગંભીરતાથી તપાસ કરવાની માગ કરી છે. તળાવના પાણીના નમૂનાની વૈજ્ઞાનિક તપાસ બાદ તેનો અહેવાલ જાહેર કરવામાં આવે અને જો પાણીમાં પ્રદૂષણ કે કોઈ હાનિકારક તત્વની હાજરી જણાય તો તેના સ્ત્રોત સુધી પહોંચી જરૂરી કાર્યવાહી કરવામાં આવે તેવી માગ ઉઠી છે. હાલ તંત્રની તપાસ અને પાણીના નમૂનાના અહેવાલ બાદ જ લાખોટા તળાવમાં જળચર જીવોના મોતનું સાચું કારણ જાણવા મળશે.









