જામનગર જિલ્લામાં વિઘ્નહર્તાનું આગમન શુકનવંતુ સાબિત થયું : મેઘરાજાની મહેર, ચેકડેમ-તળાવોમાં નવા નીર
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Jamnagar Rain Update : જામનગર શહેર ઉપરાંત જિલ્લામાં ગઈકાલે વિઘ્નહર્તા દેવનું આગમન થયું હતું અને ઠેરઠેર ગણપતિની સ્થાપના થઈ છે, ત્યારે આ વિજ્ઞહર્તા દેવનું આગમન ખરેખર શુકનવંતુ સાબિત થયું છે અને મેઘ મહેર જોવા મળી છે અને મેઘરાજાએ જાણેકે હેત વરસાવ્યું છે. શ્રાવણમાં સુકોભઠ રહયો હતો પરંતુ ભાદરવો ભરપૂર બન્યો છે, અને ખેડૂતો માટે તેમજ શહેરીજનો માટે રાહતના સમાચાર છે. અનેક ગ્રામ્ય વિસ્તારોમાં મેઘમહેર થતાં નદી-નાળા, ચેકડેમો અને તળાવોમાં નવા નીરની આવક શરૂ થઈ છે. લાંબા સમયથી વરસાદની રાહ જોઈ રહેલા ખેડૂતોમાં પણ રાહતની લાગણી પ્રસરી છે. ઉભા પાકને જરૂરી પાણી મળતાં કૃષિ ક્ષેત્ર માટે આ વરસાદ આશીર્વાદરૂપ બન્યો છે. ગણેશ ચતુર્થીના પાવન પર્વે જ મેઘરાજાએ હેત વરસાવતાં વિઘ્નહર્તા દેવનું આગમન જામનગર જિલ્લાવાસીઓ માટે સુખદ અને સુકનવંતું સાબિત થયું છે.
જામનગર જિલ્લામાં વરસાદ પડ્યો, પણ જામનગરના ડેમ તરસ્યા : સૌની યોજનાથી સસોઈ ડેમને પાણી આપવાની તૈયારી
જામનગર જિલ્લામાં ગઈકાલે મેઘરાજાએ હેત વરસાવ્યું હોવા છતાં શહેરના પીવાના પાણીના મુખ્ય જળસ્રોત એવા રણજીતસાગર અને સસોઈ ડેમમાં નવા પાણીની આવક થઈ નથી. રણજીતસાગરમાં હાલ આશરે 20થી 25 દિવસ ચાલે તેટલું જ પાણી છે, જ્યારે સસોઈ ડેમમાં માત્ર 7થી 8 દિવસ ચાલે તેટલું પાણી બચ્યું છે. પરિણામે શહેર માટે પીવાના પાણીની ચિંતા યથાવત છે.
હાલ જામનગર શહેરમાં પ્રતિદિન આશરે 147 એમએલડી પાણી ઉપાડવામાં આવે છે. તેમાં સૌથી મોટો આધાર ઊંડ અને આજી ડેમનો છે. ઉપરાંત સસોઈ અને રણજીતસાગર ડેમમાંથી પણ પ્રતિદિન 20 એમએલડીથી વધુ પાણી ઉપાડવામાં આવે છે. નર્મદા કેનાલ મારફતે પણ આશરે 20 એમએલડી પાણી મેળવવામાં આવે છે.
દરમિયાન વરસાદની ખેંચના કારણે અગાઉ નર્મદા કેનાલનું પાણી ખંભાળિયા તરફ વાળવામાં આવ્યું હતું, પરંતુ હવે બન્ને જિલ્લામાં વરસાદ પડતાં ખેડૂતોની પાણીની માંગ ઘટી છે. જેથી પીવાના પાણીની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને સૌની યોજના મારફતે પાણીના જથ્થાનો ઉપયોગ કરવાનો માર્ગ ખુલ્યો છે.
છેલ્લા વરસાદથી આજી અને ઊંડ-1 ડેમમાં પાણીની આવક થઈ છે, તેથી ચાલુ સપ્તાહ દરમિયાન સૌની યોજના મારફતે આજી-ઊંડ તરફથી સસોઈ ડેમમાં પાણી ઠાલવવાનું આયોજન કરવામાં આવશે. આમ, હાલના વરસાદથી જામનગર શહેરના પીવાના પાણીના મુખ્ય ડેમોને સીધો લાભ મળ્યો નથી, પરંતુ સૌની યોજનાના સહારે આગામી દિવસોમાં પાણીની સ્થિતિ સંભાળવાનો તંત્રને વિકલ્પ મળ્યો છે. શહેરની હદમાં આવેલા રણમલ તળાવમાં હાલના વરસાદથી પાણીની સામાન્ય આવક થઈ છે.




