Jamnagar

જામનગર-ખંભાળિયા હાઈવે પર રિક્ષા-પિકઅપ-ટ્રક વચ્ચે ગમખ્વાર ત્રિપલ અકસ્માત : બે પરપ્રાંતીય યુવાનોના મોત

By GS Team
17 Aug 20262 mins read
TukuTouch Logo
જામનગર-ખંભાળિયા હાઈવે પર 15 ઓગસ્ટે મોટી ખાવડી નજીક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. એક બોલેરો પિકઅપના ચાલકે સીએનજી રિક્ષાને ટક્કર મારતા રિક્ષા ટ્રક સાથે અથડાઈ હતી. આ દુર્ઘટનામાં બિહારના રાહુલકુમાર ઠાકુર (33)નું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું. જ્યારે પોનો ઉર્ફે ધીનો હેમ્બ્રમ (28)નું રાજકોટમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. મેઘપર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

જામનગર-ખંભાળિયા હાઈવે પર રિક્ષા-પિકઅપ-ટ્રક વચ્ચે ગમખ્વાર ત્રિપલ અકસ્માત : બે પરપ્રાંતીય યુવાનોના મોત

Jamnagar Accident : જામનગર-ખંભાળિયા હાઈવે પર 15 ઓગસ્ટના રોજ મોટી ખાવડી નજીક મચ્છી માર્કેટ પાસે ગમખ્વાર અકસ્માતમાં બે યુવાનોના મોત નીપજ્યા હતા. પોલીસ ફરિયાદ મુજબ જામનગર તરફથી મોટી ખાવડી તરફ આવી રહેલી સીએનજી રિક્ષાને મહિન્દ્રા બોલેરો પિકઅપના ચાલકે પુરઝડપે અને બેદરકારીપૂર્વક ચલાવી સાઈડમાંથી ટક્કર મારતાં રિક્ષા કાબૂ બહાર જઈ સામેથી આવતા ટ્રક સાથે અથડાઈ હતી.
આ અકસ્માતમાં રિક્ષામાં પેસેન્જર તરીકે બેઠેલા બિહારના રાહુલકુમાર મિથિલેશ ઠાકુર (ઉંમર 33)ને ગંભીર ઈજાઓ થતાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે રિક્ષામાં સાથે બેઠેલા પોનો ઉર્ફે ધીનો કિશન હેમ્બ્રમ (ઉંમર 28)ને ગંભીર ઈજાઓ થતાં જામનગરની જી.જી. હોસ્પિટલમાં સારવાર અપાઈ હતી અને વધુ સારવાર માટે રાજકોટની સરકારી હોસ્પિટલમાં ખસેડાયા બાદ સારવાર દરમિયાન તેમનું પણ મોત નીપજ્યું હતું.
ફરિયાદી રોશનકુમાર ઠાકુરના જણાવ્યા મુજબ તેમના ભાઈ રાહુલકુમાર છેલ્લા આશરે પાંચ મહિનાથી મોટી ખાવડી ખાતે ખાનગી કંપનીમાં કામ કરતા હતા. અકસ્માતની જાણ થતા ફરિયાદી સુરતથી જામનગર આવી પહોંચ્યા હતા. અકસ્માત સમયે રાહુલકુમાર સહિત ચાર વ્યક્તિઓ સીએનજી રિક્ષા નં. જીજે-10-ટી-ઝેડ-1167માં મુસાફરી કરી રહ્યા હતા.
ફરિયાદમાં જણાવ્યા મુજબ મોટી ખાવડી મચ્છી માર્કેટ નજીક રિક્ષા પહોંચી ત્યારે મહિન્દ્રા પિકઅપ નં. જીજે-14-ઝેડ-7224ના ચાલકે રિક્ષાને સાઈડમાંથી ટક્કર મારતાં રિક્ષા ચાલક કરણ માતંગે કાબૂ ગુમાવ્યો હતો અને રિક્ષા સામેથી આવતા ટ્રક સાથે અથડાઈ હતી. અકસ્માતમાં રિક્ષા ચાલક કરણ માતંગને પગમાં ઈજા થઈ હતી, જ્યારે તુરી પુર્તિને માથા તથા પગના ભાગે ઈજાઓ થઈ હતી. બંને સહિત ઘાયલોને સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
અકસ્માત અંગે મેઘપર (પડાણા) પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા તેમજ મૃતક રાહુલકુમારના અંતિમ સંસ્કાર માટે મૃતદેહનો કબજો મેળવવા પરિવારજનો પહોંચ્યા હતા. પોલીસે સમગ્ર બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે.