Jamnagar

જામનગરના બેડી વિસ્તારમાં બહેનના મોતના દુઃખની વાતે બોલાચાલી થતાં તલવારો ઉછળી : 3 શખ્સોએ યુવક પર તલવારથી હુમલો કર્યો

By GS Team
8 Aug 20262 mins read
TukuTouch Logo
જામનગરમાં દસ વર્ષ પહેલાં બહેનના મોત મામલે બનેવી સાથે બોલાચાલી થતાં ધરાનગરના સમીલ હાલેપોત્રા પર 3 શખ્સોએ તલવારથી હુમલો કર્યો. સમીલને માથા, ડાબા હાથ અને પગમાં ગંભીર ઇજાઓ થતાં 108 દ્વારા જી.જી. હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. પોલીસે ઇમ્તીયાઝ, સાકીમ અને જુસબ ગજણ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

જામનગરના બેડી વિસ્તારમાં બહેનના મોતના દુઃખની વાતે બોલાચાલી થતાં તલવારો ઉછળી :  3 શખ્સોએ યુવક પર તલવારથી હુમલો કર્યો

Jamnagar Crime : જામનગરના ધરાનગર વિસ્તારમાં બહેનના દસ વર્ષ પહેલાં થયેલા મોતની વાતને લઈને બનેવી સાથે થયેલી બોલાચાલીનો ખાર રાખી ત્રણ શખ્સોએ એક યુવક પર તલવાર વડે હુમલો કર્યાની ફરિયાદ નોંધાઈ છે. હુમલામાં યુવકના માથા, ડાબા હાથ તથા બંને પગમાં ગંભીર ઇજાઓ થતાં તેને જામનગરની જી.જી. હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો હતો.
આ બનાવ અંગે ધરાનગર-1 વિસ્તારમાં રહેતા સમીલ ઈસ્માઈલભાઈ હાલેપોત્રા (ઉ.વ.28)એ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ તા.1 ઓગસ્ટના રોજ સમીલ તેના બનેવી સાકીમ જુસબભાઈ ગજણ સાથે જામનગરના વામ્બે આવાસ વિસ્તારમાં મિત્રને ત્યાં ગયો હતો. ત્યાં તેની બહેન ગુલબાનુ, જેનું આશરે દસ વર્ષ પહેલાં અવસાન થયું હતું, તેના મોતના દુઃખની વાતને લઈને બનેવી સાકીમ સાથે બોલાચાલી થતાં સમીલ તેને ત્યાં જ મૂકી ઘરે પરત આવ્યો હતો.
ફરિયાદ મુજબ રાત્રિના આશરે દસ વાગ્યાના અરસામાં સાકીમનો મોટો ભાઈ ઇમ્તીયાઝ જુસબ ગજણ સમીલના ઘરે આવ્યો હતો અને સાકીમ સાથે કેમ બોલાચાલી કરી તેમ કહી ગાળો આપવા લાગ્યો હતો. સમીલે ગાળો આપવાની ના પાડતાં ઇમ્તીયાઝે હાથમાં રહેલી તલવારથી તેના માથામાં એક ઘા માર્યો હતો. જેના કારણે સમીલ નીચે પડી ગયો હતો.
દરમિયાન સાકીમ તથા તેના પિતા જુસબ જુમા ગજણ પણ તલવાર લઈને આવી પહોંચ્યા હતા. સાકીમે તલવારથી હુમલો કરતાં સમીલે તલવાર પકડી લેતાં તેના ડાબા હાથમાં ઇજા થઈ હતી. ત્યારબાદ જુસબ જુમાએ ધાર વગરની તલવારથી સમીલના બંને પગમાં એક-એક ઘા મારતાં લોહી નીકળવા લાગ્યું હતું.
હુમલા દરમિયાન સમીલનો નાનો ભાઈ સાદીક તથા માતા મીમીબેન વચ્ચે આવી જતાં વધુ મારમાંથી તેને છોડાવ્યો હતો. ત્યારબાદ માતાએ 108 એમ્બ્યુલન્સ બોલાવતાં સમીલને જામનગરની જી.જી. હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો હતો. જ્યાં હોસ્પિટલમાં સારવાર કરવામાં આવી હતી. સારવાર દરમિયાન માથામાં છથી આઠ ટાંકા, ડાબા હાથમાં ચાર ટાંકા તથા બંને પગમાં ત્રણ-ત્રણ ટાંકા લેવામાં આવ્યા હતા.
ફરિયાદ મુજબ સારવાર બાદ રજા મળ્યા પછી સમીલ ઘરે પરત આવ્યો હતો. આ બનાવ અંગે ઇમ્તીયાઝ જુસબ ગજણ, સાકીમ જુસબભાઈ ગજણ અને જુસબ જુમા ગજણ વિરુદ્ધ બી.એન.એસ.ની કલમ 118(1), 352, 351(3), 54 તથા જી.પી. એક્ટની કલમ 135(1) મુજબ ફરિયાદ નોંધાઈ છે. તેમજ હથિયારબંધી જાહેરનામાનો ભંગ કર્યાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે.