Gujarat

જામનગર મહાનગરપાલિકાની જુદી-જુદી કચેરીઓમાં મેયર દ્વારા આજે સરપ્રાઇઝ ચેકિંગ

By GS Team
24 Mar 20221 min read
This article was originally published on 24 Mar 2022
જામનગર મહાનગરપાલિકાની જુદી-જુદી કચેરીઓમાં મેયર દ્વારા આજે સરપ્રાઇઝ ચેકિંગ

- યુસીડી શાખા અને બાળકોની આધારકાર્ડ શાખાની મુલાકાત દરમિયાન અનેક ગુટલી બાજો ગેરહાજર જણાયા

જામનગર,તા.24 માર્ચ 2022,ગુરૂવાર 

જામનગર મહાનગરપાલિકાની જુદી-જુદી કચેરીઓમાં અનેક કર્મચારીઓ ગુટલી મારતા હોવાની જાણકારી મળી હોવાથી મેયર દ્વારા આજે ફરીથી સરપ્રાઇઝ ચેકિંગ કરવામાં આવ્યું હતું, જેમાં કેટલાક કર્મચારીઓ ગેરહાજર મળ્યા હોવાથી તમામ સામે એક્શન લેવા માટેની મેયર દ્વારા સૂચના આપવામાં આવી છે. જેને લઇને મહાનગરપાલિકાના વર્તુળમાં દોડધામ થઈ છે.

જામનગર મહાનગરપાલિકાની જુદી જુદી કચેરીઓના કેટલાક કર્મચારીઓ વારંવાર ગુટલી મારતા હોય છે, આવા ગુટલીબાજ કર્મચારીઓને શોધવા માટે મેયર બીનાબેન કોઠારી દ્વારા સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેઓની સાથે ડેપ્યુટી કમિશનર એ.કે. વસ્તાણી ને સાથે રાખીને જુદા જુદા વિભાગોમાં સરપ્રાઇઝ ચેકિંગ કરાયું હતું. સિક્યુરિટી કર્મચારી ને હાજર રખાવીને કેટલીક શાખામાં કર્મચારીઓની ચાલુ ફરજ દરમિયાન ગેરહાજરી ધ્યાનમાં આવી હતી.

ખાસ કરીને યૂ. સી.ડી. શાખાના કર્મચારી ગેરહાજર હોવાનું જાણવા મળ્યું હતું.આ ઉપરાંત બાળકોની આધારકાર્ડ શાખાની મુલાકાતમાં પણ કેટલાક કર્મચારી ગાયબ થયેલા જોવા મળ્યા હતા. જેથી ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર ને જાણકારી આપીને તમામ ગુટલી બાજ કર્મચારીઓ સામે એક્શન લેવા માટે જણાવ્યું હતું.

મેયર દ્વારા અવારનવાર સરપ્રાઇઝ ચેકિંગ કરવામાં આવે છે, જેને લઈને આજે ફરીથી ચેકિંગની કાર્યવાહી દરમિયાન ગુટલીબાજોની ક્ષતી પકડાઈ જતાં મહાનગરપાલિકાના વર્તુળોમાં અનેક કર્મચારીઓમાં ફફડાટ મચી ગયો છે.