Jamnagar

જામનગરમાં નવરાત્રિ પૂર્વે SPની ગરબી-રાસ આયોજકો સાથે બેઠક : સુરક્ષા, સીસીટીવી અને સાઉન્ડ વ્યવસ્થા અંગે જરૂરી સૂચનાઓ

By GS Team
7 Oct 20262 mins read
TukuTouch Logo
જામનગરમાં નવરાત્રિ-દશેરા શાંતિપૂર્ણ સંપન્ન થાય તે માટે જિલ્લા પોલીસ વડા ડો. રવિ મોહન સૈનીની અધ્યક્ષતામાં ગરબા સંચાલકો સાથે બેઠક યોજાઈ. સુરક્ષા, પાર્કિંગ, ટ્રાફિક અને સીસીટીવી અંગે સૂચના અપાઈ. મહિલાઓની સલામતી માટે વિશેષ તકેદારી રાખવા અને સાયબર ક્રાઈમ જાગૃતિ સંદેશા પહોંચાડવા અનુરોધ કરાયો. પોલીસ બંદોબસ્ત અને પેટ્રોલિંગ પણ ગોઠવશે.

Summarized by AI; it may make mistakes. Check important info

જામનગરમાં નવરાત્રિ પૂર્વે SPની ગરબી-રાસ આયોજકો સાથે બેઠક : સુરક્ષા, સીસીટીવી અને સાઉન્ડ વ્યવસ્થા અંગે જરૂરી સૂચનાઓ

Jamnagar Police : આગામી નવરાત્રિ અને દશેરાના તહેવારો દરમિયાન શહેર તેમજ આસપાસના વિસ્તારોમાં યોજાનારા પ્રાચીન-અર્વાચીન રાસ-ગરબા મહોત્સવ શાંતિપૂર્ણ અને સલામત રીતે સંપન્ન થાય તે માટે જામનગર જિલ્લા પોલીસ દ્વારા આગોતરી તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. જિલ્લા પોલીસ વડા ડો.રવિ મોહન સૈનીના અધ્યક્ષસ્થાને શહેરના રાસ-ગરબા અને ગરબીના સંચાલકો તેમજ શાંતિ સમિતિના સભ્યો સાથે બેઠક યોજી તહેવારો દરમિયાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપવામાં આવી હતી.
બેઠકમાં રાસ-ગરબાના સ્થળોએ સુરક્ષા વ્યવસ્થા મજબૂત રાખવા, પૂરતા પ્રમાણમાં સિક્યુરિટી ગાર્ડ તૈનાત કરવા તેમજ સીસીટીવી કેમેરા કાર્યરત રાખવા ખાસ સૂચના આપવામાં આવી હતી. ગરબી-રાસના સ્થળોએ મોટી સંખ્યામાં યુવતીઓ અને મહિલાઓ ઉપસ્થિત રહેતી હોવાથી તેમની સુરક્ષા અને સલામતી અંગે વિશેષ તકેદારી રાખવા તેમજ કોઈપણ પ્રકારનો અનિચ્છનીય બનાવ બને નહીં તે માટે આયોજકોને પોલીસ સાથે સંકલન જાળવવા જણાવાયું હતું.
આ ઉપરાંત રાસ-ગરબાના સ્થળોએ આવતા લોકોની અવરજવર સરળ રહે તે માટે પાર્કિંગ અને ટ્રાફિક વ્યવસ્થાનું યોગ્ય આયોજન કરવા પણ સૂચના આપવામાં આવી હતી. પોલીસ દ્વારા પણ તહેવારો દરમિયાન સંવેદનશીલ સ્થળોએ જરૂરી બંદોબસ્ત અને પેટ્રોલિંગ સહિતની વ્યવસ્થા ગોઠવવામાં આવશે. સાઉન્ડ સિસ્ટમ અંગે સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલી માર્ગદર્શિકા અને નિયમોનું ચુસ્તપણે પાલન કરવા આયોજકોને જણાવાયું હતું. જ્યાં જરૂરી હોય ત્યાં સંબંધિત પરફોર્મન્સ લાયસન્સ મેળવી કાયદા-નિયમ મુજબ જ નવરાત્રિ મહોત્સવનું આયોજન કરવા પણ સ્પષ્ટ સૂચના આપવામાં આવી હતી.
બેઠક દરમિયાન સાયબર ક્રાઈમ અંગે પણ લોકોને જાગૃત કરવા માટે રાસ-ગરબાના સ્થળોએ બેનર, પોસ્ટર તેમજ વીડિયો લિંકના માધ્યમથી સાયબર ગુનાઓથી બચવા અંગેની માહિતી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવા આયોજકોને ખાસ અનુરોધ કરવામાં આવ્યો હતો. જિલ્લા પોલીસ વડાએ નવરાત્રિના તહેવારો દરમિયાન પોલીસ અને ગરબી-રાસના આયોજકો વચ્ચે સતત સંકલન રહે તે જરૂરી હોવાનું જણાવી, કોઈપણ પ્રકારની સમસ્યા કે અનિચ્છનીય પરિસ્થિતિ ઊભી થાય તો તાત્કાલિક પોલીસનો સંપર્ક કરવા સૂચના આપી હતી. પોલીસ તંત્ર દ્વારા પણ તહેવારો દરમિયાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે અને નાગરિકો નિર્ભય વાતાવરણમાં નવરાત્રિની ઉજવણી કરી શકે તે માટે જરૂરી તમામ પગલાં લેવામાં આવશે.