Gujarat

જામનગર શહેરમાં કોરોના વિસ્ફોટ પછી જામનગર મહાનગરપાલિકાના તંત્રની સોશિયલ ડિસ્ટન્સ નું પાલન કરાવવા માટેની કવાયત

By GS Team
5 Jan 20222 mins read
This article was originally published on 5 Jan 2022
જામનગર શહેરમાં  કોરોના વિસ્ફોટ પછી જામનગર મહાનગરપાલિકાના તંત્રની સોશિયલ ડિસ્ટન્સ નું પાલન કરાવવા માટેની કવાયત

- જુદી જુદી 6 ટુકડીઓ દ્વારા કડક હાથે કામ લઈ સોશ્યલ ડિસ્ટન્સ ભંગ ના 45 કેસ: જયારે માસ્ક અંગેના 27 કેસ કરાયા

જામનગર તા. 05

જામનગર શહેરમાં કોરોના નું સંક્રમણ વધતું જાય છે, અને લોકો કોરોનાની ગાઈડલાઈન નું પાલન કરે તે બાબતે કાળજી રાખવા ના ભાગ રૂપે મહાનગરપાલિકાના તંત્ર દ્વારા સોશિયલ ડિસ્ટન્સ નું પાલન કરાવવા માટેની કવાયત હાથ ધરવામાં આવી છે. અને જુદી-જુદી 6 ટુકડીઓને દોડતી કરી દેવાઇ છે. જેઓ દ્વારા સોશિયલ ડિસ્ટન્સ ભંગ અંગે ના કેસ કરવામાં આવી રહ્યા છે, સાથોસાથ માસ્ક અંગે પણ દંડકીય કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે. નવા વર્ષના પ્રારંભથી ચાર તારીખ સુધીના સમયગાળા દરમિયાન કુલ 72 કેસ કર્યા છે અને 47,2૦૦ ના દંડની વસૂલાત કરવામાં આવી છે.

જામનગર શહેરમાં કોરોના સંક્રમણ દિન-પ્રતિદિન વધતું જતું હોવાથી જામનગર મહાનગરપાલિકા ની જુદી-જુદી ટુકડીઓને શહેરના અલગ અલગ વિસ્તારોમાં સોશિયલ ડિસ્ટન્સ નુ પાલન કરાવવા માટે દોડતી કરાવવામાં આવી છે. જેમાં 5 દિવસના સમયગાળા દરમિયાન ગઈકાલે  સોશિયલ ડિસ્ટન્સ નો ભંગ કરનારા વધુ 45 લોકો સામે દંડકીય કાર્યવાહી કરવામાં આવી છે, અને તેઓ પાસેથી રૂપિયા 2૦,2૦૦ નો દંડ વસુલ કરવામાં આવ્યો છે.

તે જ રીતે માસ્ક પહેર્યા વિના નીકળનારા નાગરિકો સામે પણ દંડકીય કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે. જેના ભાગરૂપે ગઇકાલે વધુ 27 નાગરિકો પાસેથી રૂપિયા 27,૦૦૦નો દંડ વસુલ કરવામાં આવ્યો છે. પાંચ દિવસ દરમિયાન મહાનગરપાલિકા ની ટીમ દ્વારા કુલ 72 કેસ કરવામાં આવ્યા છે, અને કુલ 47,2૦૦ રૂપિયાના દંડની વસૂલાત કરી લેવામાં આવી છે.

જામનગર મહાનગરપાલિકાના સોલિડવેસ્ટ વિભાગના કંટ્રોલીંગ અધિકારી મુકેશ વરણવા ના માર્ગદર્શન હેઠળ તથા એસ્ટેટ વિભાગ સહિતની જુદી-જુદી છ ટુકડીઓ દ્વારા સમગ્ર કવાયત હાથ ધરવામાં આવી રહી છે.