Get The App

ઝુંપડપટ્ટીના બાળકોને સારા સ્પર્શ અને ખરાબ સ્પર્શ વચ્ચેનો ભેદ સમજાવાયો

Updated: Mar 2nd, 2022

GS TEAM

Google News
Google News
ઝુંપડપટ્ટીના બાળકોને સારા સ્પર્શ અને ખરાબ સ્પર્શ વચ્ચેનો ભેદ સમજાવાયો 1 - image

- જામનગર ચાઈલ્ડલાઈન 1098 ટીમે બાળકોને સમજણથી સજ્જ બનાવવા વિશેષ કાર્યક્રમનું આયોજન કર્યું

જામનગર તા.૦૨, માર્ચ, 2022, બુધવાર

હાલ સમાજમાં મહિલાઓ, કિશોરીઓ તથા નાના બાળકો સાથે દુરવ્યવહાર થવાની ઘટનાઓ વધતી જાય છે. જ્યારે બાળકોને અમુક ઉમર સુધી સારા કે ખરાબ સ્પર્શની સમજ હોતી નથી. બાળકો તેની સાથે અન્ય વ્યક્તિ દ્વારા સારો કે ખરાબ સ્પર્શ કરવામાં આવે છે, એ સમજી શકતા નથી અને આ અણસમજુ બાળકો ક્યારેક વિકૃત વિચારધારા ધરાવતા વ્યક્તિઓનો ભોગ બની જતા હોય છે.

આવી સ્થિતિમાં કોઈ પણ બાળકો પોતાની અણસમજના કારણે કોઈ ખરાબ વ્યક્તિનો ભોગ ન બને અને બાળકો સારા અને ખરાબ સ્પર્શને જાતે જ સમજતા શીખે એવા હેતુથી ગુડ ટચ અને બેડ ટચ શું છે તે સરળતાથી બાળકો સમજી શકે એ માટે જામનગરની 1098 ની ટીમ દ્વારા કલરફૂલ ચિત્રોના કાર્ડ બનાવી આ કાર્ડના માધ્યમથી બાળકોને ગુડ ટચ-બેડ ટચ વિશે માહિતી આપવામાં આવી હતી.

ઝુંપડપટ્ટીના બાળકોને સારા સ્પર્શ અને ખરાબ સ્પર્શ વચ્ચેનો ભેદ સમજાવાયો 2 - image

ચિત્રોમાં દર્શાવ્યા પ્રમાણે કોઈ વ્યક્તિ બાળકોને ખરાબ સ્પર્શ કરે તો બાળકોએ શું કરવું જોઈએ અને આ બાબતેની જાણ કોને કરી શકાય તે બાબતે પણ બાળકોને વિસ્તૃત સમજ આપવામાં આવી.

આ કાર્યક્રમનું આયોજન કરવા પાછળનો મુખ્ય હેતુ બાળકોમા સારા અને ખરાબ સ્પર્શની સમજ કેળવવાનો હતો, કે જેથી બાળકો તેમની સાથે કોણ વ્યક્તિ કેવો સ્પર્શ કરે છે, તે જાતે સમજી શકે. અને જો વ્યક્તિ બાળકોની અણસમજનો લાભ લઈ ખરાબ સ્પર્શ કરવાનો પ્રયત્ન કરે, તો તેનો વિરોધ કરી શકે. આ વિશેષ કાર્યક્રમમાં કુલ 70 બાળકો તથા 40 લોકોએ સહભાગી થઈ જાગૃતિ કેળવી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકાર પુરસ્કૃત 1098 જામનગર ચાઈલ્ડલાઈન 18વર્ષથી નાની ઉંમરના બાળકોના અધિકારો અને હિતોના રક્ષણ માટે છેલ્લા 8 વર્ષથી જામનગરમાં જિલ્લામાં સ્વ.જે.વી.નારીયા એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ અંતર્ગત જમનભાઈ સોજીત્રાના માર્ગદર્શન હેઠળ કાર્યરત છે. જેના દ્વારા બાળકોના અધિકારો અને હિતોના રક્ષણ સાથે બાળકોના ડેવલોપમેન્ટ માટે ઝુંપડપટ્ટી સહિતના વિસ્તારોમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. આવા જ એક વુલનમિલના વાડી વિસ્તારની ઝુંપડપટ્ટીમાં બાળકો માટે ગૂડટચ–બેડટચ થીમ પર ચાઈલ્ડ લાઇન દ્વારા વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.