જામનગર જિલ્લામાં અષાઢી બીજના દિવસે પણ વરસાદનો સુસ્ત દોર યથાવત : માત્ર ધ્રોલ અને લાલપુરમાં વરસાદ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Jamnagar Rain Update : જામનગર જિલ્લામાં છેલ્લા 24 કલાક દરમિયાન વરસાદનો સુસ્ત દોર યથાવત રહ્યો હતો. સમગ્ર જિલ્લામાં માત્ર ધ્રોલ અને લાલપુર તાલુકામાં જ હળવો વરસાદ નોંધાયો હતો, જ્યારે બાકીના તમામ તાલુકાઓમાં વરસાદ નોંધાયો ન હતો. જોકે ધ્રોલ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં સારો વરસાદ પડ્યાના અહેવાલો મળી રહ્યા છે.
જિલ્લા કંટ્રોલ રૂમના અહેવાલ મુજબ ધ્રોલ તાલુકામાં 7 મીમી અને લાલપુર તાલુકામાં 2 મીમી વરસાદ નોંધાયો હતો. જ્યારે જામનગર શહેર, જામનગર તાલુકો, જોડિયા, કાલાવડ અને જામજોધપુર સહિતના અન્ય તમામ તાલુકાઓમાં વરસાદ નોંધાયો નહોતો.
જામનગર શહેરમાં વરસાદ ન હોવા છતાં વાદળછાયું વાતાવરણ વચ્ચે હવામાં ભેજનું પ્રમાણ ઊંચું રહ્યું હતું. હવામાન વિભાગના આંકડા મુજબ આજે શહેરનું મહત્તમ તાપમાન 34.6 ડિગ્રી સેલ્સિયસ, લઘુત્તમ તાપમાન 27.5 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. હવામાં ભેજનું પ્રમાણ 78 ટકા જ્યારે પવનની સરેરાશ ઝડપ 13.0 કિલોમીટર પ્રતિ કલાક નોંધાઈ હતી.
જિલ્લામાં વરસાદની ગતિ ધીમી રહેતાં ખેડૂતો સહિત સૌની નજર આગામી દિવસોમાં સારા વરસાદ પર મંડાઈ છે, જ્યારે શહેરમાં ભેજ અને વાદળછાયા વાતાવરણને કારણે દિવસભર ઉકળાટનો અનુભવ થયો હતો.




