Jamnagar

લાલપુરમાં જૂના મનદુઃખમાં છ શખ્સોએ બે ભાઈઓ પર પાઈપથી હુમલો : જાનથી મારી નાખવાની ધમકી આપ્યાનો આક્ષેપ

By GS Team
19 Sep 20262 mins read
TukuTouch Logo
જામનગરમાં લાલપુર ખાતે પત્નીને મેસેજ કરવાના જૂના મનદુઃખને કારણે 6 શખ્સોએ બે ભાઈઓ પર હુમલો કર્યો. 17 સપ્ટેમ્બરે સાંજે પાન દુકાને દેવાયત રાવલિયા અને વેજાણંદ ઉર્ફે પીરોએ નીતિનકુમાર અને તેમના ભાઈ દેવશીભાઈને લોખંડના પાઈપ અને ઢીકાપાટુથી માર માર્યો. દેવશીભાઈને જમણા હાથમાં ફ્રેક્ચર થયું. લાલપુર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

લાલપુરમાં જૂના મનદુઃખમાં છ શખ્સોએ બે ભાઈઓ પર પાઈપથી હુમલો : જાનથી મારી નાખવાની ધમકી આપ્યાનો આક્ષેપ

Jamnagar Crime : લાલપુરમાં પત્નીને મેસેજ કરવાના જૂના મનદુઃખના કારણે બોલાચાલી બાદ છ શખ્સોએ એકસંપ થઈ બે ભાઈઓ પર લોખંડના પાઈપ તથા ઢીકાપાટુનો માર મારી હુમલો કર્યાની ફરિયાદ લાલપુર પોલીસ મથકમાં નોંધાઈ છે. હુમલામાં એક ભાઈને જમણા હાથમાં ફ્રેક્ચર સહિતની ઈજાઓ થઈ હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.
લાલપુરના મચ્છુનગર વિસ્તારમાં રહેતા અને ખેતીકામ કરતા નીતિનકુમાર રાણાભાઈ ભેડિયાવદરાએ પોલીસમાં નોંધાવેલી ફરિયાદ મુજબ, તા. 17 સપ્ટેમ્બરના રોજ સાંજે પોણા સાત વાગ્યાના અરસામાં તેઓ લાલપુર સામાકાંઠે વડવાળા પાનની દુકાને બેઠા હતા. ત્યારે ગોદાવરી ગામના દેવાયત પુંજાભાઈ રાવલિયા તથા વેજાણંદ ઉર્ફે પીરો ચંદુ રાવલિયા ત્યાં આવ્યા હતા.
ફરિયાદમાં જણાવ્યા મુજબ દેવાયત રાવલિયા અગાઉ ફરિયાદીની પત્નીને મેસેજ કરતો હોવાથી ફરિયાદીએ તેને મેસેજ નહીં કરવા જણાવ્યું હતું અને આ બાબતે અગાઉ બંને વચ્ચે ઝઘડો થયો હતો. આ જૂના મનદુઃખના કારણે બંને શખ્સો ફરિયાદી સાથે બોલાચાલી કરવા લાગ્યા હતા. દરમિયાન ફરિયાદીએ પોતાના ભાઈ દેવશીભાઈને ફોન કરી સ્થળ પર બોલાવ્યા હતા.
દેવશીભાઈ ત્યાં આવી દેવાયત રાવલિયાને સમજાવતા હતા ત્યારે વેજાણંદ ઉર્ફે પીરો તથા દેવાયત ઉશ્કેરાઈ ગયા હતા અને ગાળો આપવા લાગ્યા હતા. ત્યારબાદ અન્ય શખ્સોને ફોન કરી બોલાવવામાં આવ્યા હતા. થોડીવારમાં રાજુ રાવલિયા અને હેમંત વસરા મોટરસાઇકલ પર આવ્યા હતા, જ્યારે ગોવિંદ વસરા કાળા રંગની સ્કોર્પિયો કારમાં આવ્યો હતો.
ફરિયાદ મુજબ તમામ શખ્સોએ એકસંપ થઈ સ્કોર્પિયો કારમાંથી લોખંડના પાઈપ કાઢી હુમલો શરૂ કર્યો હતો. વેજાણંદ ઉર્ફે પીરાએ લોખંડના પાઈપથી દેવશીભાઈ પર હુમલો કરતાં તેમણે બચાવમાં જમણો હાથ આડો ધર્યો હતો, જેના કારણે હાથમાં ગંભીર ઈજા થઈ હતી. ફરિયાદી નીતિનકુમાર વચ્ચે પડતાં તેમને પણ જમણા હાથ તથા જમણા પગમાં પાઈપના ઘા મારવામાં આવ્યા હતા.
આ ઉપરાંત ગોવિંદ વસરાએ પણ દેવશીભાઈના જમણા હાથમાં લોખંડના પાઈપથી માર માર્યો હતો, જ્યારે રાજુ વસરા, હેમંત વસરા, દેવાયત રાવલિયા અને ચંદુ રાવલિયાએ બંને ભાઈઓને ઢીકાપાટુનો માર મારી ઈજાઓ પહોંચાડી હોવાનો ફરિયાદમાં આક્ષેપ કરાયો છે.
હુમલા દરમિયાન આસપાસના લોકો એકત્ર થતાં આરોપીઓ ત્યાંથી નીકળી ગયા હતા. ફરિયાદ મુજબ વેજાણંદ ઉર્ફે પીરો અને ગોવિંદ વસરાએ ફરી મળ્યા તો જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. બાદમાં સંબંધીએ બંને ભાઈઓને લાલપુર સરકારી દવાખાને સારવાર માટે ખસેડ્યા હતા. ત્યાં પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. તબીબી સારવાર દરમિયાન નીતિનકુમારને શરીરે મુંઢ ઈજાઓ તથા દેવશીભાઈને જમણા હાથમાં ફ્રેક્ચરની ઈજા થયાનું ફરિયાદમાં જણાવાયું છે. આ બનાવ અંગે નીતિનકુમાર ભેડિયાવદરાની ફરિયાદના આધારે લાલપુર પોલીસે ભારતીય ન્યાય સંહિતા તથા જી.પી. એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધ્યો છે.