સિક્કામાં બાળકી પર અમાનુષી અત્યાચાર ગુજારી હત્યા કરનાર મામાને ફાંસીની સજા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

જામનગર : જામનગર જિલ્લાના સિક્કા વિસ્તારમાં સાત વર્ષની માસૂમ બાળકી પર દુષ્કર્મ ગુજારી તેની હત્યા કરવાના ચકચારી કેસમાં જામનગરની વિશેષ પોક્સો અદાલતે આરોપી સગા મામા નિતીન ડોસાજી માણેક (ઉં.૩૯, રહે.સિક્કા)ને ફાંસીની સજા ફટકારી છે. અદાલતે આ કેસને 'રેરેસ્ટ ઓફ રેર' શ્રેણીનો ગણાવી ખૂનના ગુનામાં મૃત્યુદંડ, પોક્સો કાયદા હેઠળ આજીવન કેદ તથા રૂા. ૫૦ હજારનો દંડ ફટકાર્યો છે.
આ બનાવ તા. ૧૨ જાન્યુઆરી, ૨૦૨૫ના રોજ સિક્કા વિસ્તારમાં બન્યો હતો. ભોગ બનનાર બાળકી આરોપી નિતીન માણેકની સગી ભાણેજ હતી અને તેના ઘરે રહેતી હતી. બાળકી સાથે લાંબા સમય સુધી શારીરિક ત્રાસ ગુજારવામાં આવ્યો હતો. બાળકીના શરીર પર વિવિધ સ્થળોએ કુલ ૨૩ ઈજાઓ મળી આવી હતી. મામા નીતિન માણેક પાસે બાળકીએ પિતા પાસે જવાની જીદ કરતા શૌચક્રિયા કરી દેતા તે ગુસ્સે થયો હતો. તેણે ગરમ લોઢી, માચીસની દીવાસળી, ઢીકા-પાટુ અને લોખંડના ધોકા વડે માસુમ બાળકીને અમાનુષી માર માર્યો હતો. પછી ૧૨ જાન્યુઆરી, ૨૦૨૫ના રોજ તેના બંને પગ પકડી માથું દીવાલ સાથે પછાડી હત્યા કરી નાખી હતી. આ બનાવે સમગ્ર પંથકમાં ભારે ચકચાર જગાવી હતી.
શરૂઆતમાં વણઉકેલાયેલા રહેલા આ ગુનામાં પોલીસ દ્વારા ઝીણવટભરી તપાસ હાથ ધરતાં મામા નીતિન માણેકની જ સંડોવણી બહાર આવી હતી. પોલીસે વૈજ્ઞાાનિક, ટેકનિકલ અને દસ્તાવેજી પુરાવા એકત્રિત કરી બનાવના માત્ર ૩૫ દિવસમાં અદાલતમાં ચાર્જશીટ રજૂ કરી હતી. કેસની સુનાવણી દરમિયાન સરકાર પક્ષે કુલ ૨૩ સાહેદોની જુબાની તથા ૯૫ જેટલા દસ્તાવેજી પુરાવા અદાલત સમક્ષ રજૂ કર્યા હતા. સરકાર પક્ષે રજૂ કરાયેલા પુરાવા અને કેસની ગંભીરતાને ધ્યાનમાં લઈને વિશેષ પોક્સો અદાલતે આરોપીને ખૂનના ગુનામાં મૃત્યુદંડ ઉપરાંત પોક્સો કાયદા હેઠળ આજીવન કેદ અને રૂા. ૫૦ હજારનો દંડ ફટકાર્યો છે.




