Jamnagar

જામનગરમાં જોલીબંગલા પાસે રાજકોટ રેન્જની ટીમનો દરોડો : બિલ-પુરાવા વગરનો રૂ.15.41 લાખનો પાનમસાલા, તમાકુ અને સિગારેટનો જથ્થો ઝડપાયો

By GS Team
21 Nov 20262 mins read
TukuTouch Logo
જામનગરના જોલીબંગલા વિસ્તારમાંથી રાજકોટ રેન્જ પોલીસે બિલ વગરના પાનમસાલા, તમાકુ અને સિગારેટનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે 4 શખ્સો પાસેથી કુલ રૂ. 15,41,400નો મુદ્દામાલ જપ્ત કર્યો. રાજકોટ રેન્જ IG નિર્લિપ્ત રાયની સૂચનાથી આ કાર્યવાહી કરાઈ હતી. વધુ તપાસ માટે જામનગર સીટી-એ ડિવિઝન પોલીસને સોંપવામાં આવ્યા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

જામનગરમાં જોલીબંગલા પાસે રાજકોટ રેન્જની ટીમનો દરોડો : બિલ-પુરાવા વગરનો રૂ.15.41 લાખનો પાનમસાલા, તમાકુ અને સિગારેટનો જથ્થો ઝડપાયો

Jamnagar Police : જામનગર શહેરના જોલીબંગલા વિસ્તારમાં રાજકોટ રેન્જની પોલીસ ટીમે દરોડો પાડી બિલ કે ખરીદ-વેચાણના કોઈપણ પ્રકારના આધારભૂત પુરાવા વગર વેચાણ અર્થે સંગ્રહ કરાયેલો પાનમસાલા, તમાકુ અને સિગારેટનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે સ્થળ પરથી ચાર શખ્સોને પકડી પાડી તેમની પાસેથી કુલ રૂ.15,41,400ની કિંમતનો મુદ્દામાલ કબજે કરી વધુ કાર્યવાહી માટે જામનગર સીટી-એ ડિવિઝન પોલીસને સોંપ્યો છે.
રાજકોટ રેન્જના પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય દ્વારા રેન્જ હેઠળના તમામ જિલ્લાઓમાં બિલ કે આધારભૂત પુરાવા વગર પાનમસાલા, તમાકુ અને સિગારેટનું વેચાણ કરતા તત્વો સામે કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હતી. જેના અનુસંધાને રાજકોટ રેન્જ પોલીસના ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ વિશેષ ટીમ દ્વારા બાતમીદારો મારફતે માહિતી એકત્રિત કરવામાં આવી રહી હતી.
આ દરમિયાન જામનગરના જોલીબંગલા વિસ્તારમાં કેશવ ટ્રાવેલ્સની ઓફિસ પાસે કેટલાક શખ્સો દ્વારા મોટા પ્રમાણમાં બિલ વગરનો શંકાસ્પદ પાનમસાલા, તમાકુ અને સિગારેટનો જથ્થો સંગ્રહ કરવામાં આવ્યો હોવાની ચોક્કસ બાતમી મળતાં રાજકોટ રેન્જની ટીમે જામનગર સીટી-એ ડિવિઝન પોલીસ મથકના વિસ્તારમાં દરોડો પાડ્યો હતો.
દરોડા દરમિયાન સ્થળ પરથી વિમલ પાનમસાલા, સિગ્નેચર પાનમસાલા, ફોર સ્ક્વેર સિગારેટ તેમજ બાગબાન તમાકુનાં નાનાં-મોટાં પાઉચ અને ટીનના ડબ્બા સહિતનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે સ્થળ પર હાજર આમદ ગની મેમણ, કાદર ગની ફુલવાડી, મુકેશ પ્રભુલાલ જેસાણી અને દીપક રમણીક સોનછાત્રા નામના ચાર શખ્સોની પૂછપરછ કરી હતી.
જોકે, પાનમસાલા, તમાકુ અને સિગારેટના જથ્થા અંગે ચારેય શખ્સો કોઈ સંતોષકારક ખુલાસો કરી શક્યા ન હતા તેમજ ખરીદ-વેચાણનાં અધિકૃત બિલ કે અન્ય આધારભૂત પુરાવા પણ રજૂ કરી શક્યા ન હોવાથી પોલીસે વિવિધ બ્રાન્ડનો કુલ રૂ.15,41,400ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. ત્યારબાદ ચારેય શખ્સો અને જપ્ત કરાયેલો જથ્થો વધુ તપાસ તથા કાયદેસરની કાર્યવાહી માટે જામનગર સીટી-એ ડિવિઝન પોલીસ મથકને સોંપવામાં આવ્યો હતો.