જામનગરના જોગવડની વાડીમાં જુગારધામ પર રાજકોટ રેન્જની ટીમનો દરોડો : વાડી માલિક સહિત 10 જુગારી ઝડપાયા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Jamnagar Gambing Raid : જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના જોગવડ ગામની સીમમાં મેઘપર (પડાણા) પોલીસ સ્ટેશન વિસ્તારમાં જુગારધામ ચાલી રહ્યું હોવાની માહિતીના આધારે રાજકોટ રેન્જની ક્રાઇમ ટીમ-1 તથા મેઘપર (પડાણા) પોલીસે સંયુક્ત દરોડો પાડ્યો હતો. પોલીસની કાર્યવાહી દરમિયાન વાડીના મકાનમાં ગંજીપત્તાના પાનાથી જુગાર રમતા વાડી માલિક સહિત 10 શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા હતા.
પોલીસના જણાવ્યા મુજબ જોગવડ ગામની સીમમાં આરોપી સુમાતભાઈ દેશુરભાઈ ગોજિયાની કબજા-ભોગવટાની વાડીમાં બહારથી માણસો બોલાવી નાલ ઉઘરાવી જુગારનો અખાડો ચલાવવામાં આવતો હતો. પોલીસે દરોડો પાડતાં સુમાતભાઈ ગોજિયા સહિત દસ શખ્સો જુગાર રમતા મળી આવ્યા હતા.
ઝડપાયેલા આરોપીઓમાં સુમાતભાઈ દેશુરભાઈ ગોજિયા (ઉંમર 40), નીલેનભાઈ હસમુખભાઈ વાઘેલા (ઉંમર 36), નરેશભાઈ રામદેવભાઈ બંધીયા (ઉંમર 26), પિયુષભાઈ કારૂભાઈ બડીયાવદરા (ઉંમર 34), જયદીપભાઈ મગનભાઈ રામાવત (ઉંમર 26), રાજેશભાઈ કરશનભાઈ કરંગીયા (ઉંમર 32), વલ્લભભાઈ હરદાસભાઈ કરમુર (ઉંમર 42), ભરતભાઈ કરશનભાઈ કરંગીયા (ઉંમર 36), ઉમેદસિંહ ભોજુભા ચુડાસમા (ઉંમર 46) અને પાલાભાઈ પીઠાભાઈ કરમુર (ઉંમર 46)નો સમાવેશ થાય છે.
પોલીસે દરોડા દરમિયાન રોકડા રૂ.2,33,700, ગંજીપત્તા, બે મોટરસાઇકલ, બે કાર તથા 9 મોબાઇલ ફોન મળી કુલ રૂ.15,63,700નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ અંગે મેઘપર (પડાણા) પોલીસ સ્ટેશનમાં જુગારધારા કલમ 4, 5 મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે.




