રાજકોટ રેલવે ડિવિઝનની પાર્સલ આવકમાં નવો રેકોર્ડ : એક જ દિવસમાં રૂ. 11.01 લાખની આવક
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Jamnagar: પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝને પાર્સલ પરિવહન ક્ષેત્રે નવી સિદ્ધિ હાંસલ કરી છે. તા. 6 નવેમ્બર, 2026ના રોજ એક જ દિવસમાં પાર્સલ પરિવહન મારફતે રૂ. 11.01 લાખની આવક મેળવી અત્યાર સુધીની સૌથી વધુ એકદિવસીય આવકનો નવો રેકોર્ડ સ્થાપ્યો છે. આ અગાઉ તા. 17 ઓક્ટોબર, 2025ના રોજ એક જ દિવસમાં રૂ. 9.50 લાખની આવકનો રેકોર્ડ નોંધાયો હતો.
રાજકોટ ડિવિઝનના વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક સુનીલ કુમાર મીનાના જણાવ્યા અનુસાર, રેલવે દ્વારા પાર્સલ પરિવહનને પ્રોત્સાહન આપવા અને વધુને વધુ વેપારીઓને રેલવે સાથે જોડવા સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. તેના પરિણામે આર્ટિફિશિયલ જ્વેલરી, ઘરવખરીનો સામાન, પિત્તળના અને ઓટોમોબાઇલના ભાગો, કાપડ, શાકભાજી, ફળો સહિત ઝડપથી બગડી જતી ચીજવસ્તુઓનું પરિવહન પણ રેલવે મારફતે કરવામાં આવી રહ્યું છે.
વધુમાં વેપારીઓની જરૂરિયાત મુજબ પરિવહન સુવિધાઓમાં સુધારો કરીને માલસામાનની હેરફેરને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. જેના પરિણામે રાજકોટ ડિવિઝનની પાર્સલ પરિવહન ક્ષેત્રે વ્યાપારી પ્રવૃત્તિઓમાં વધારો થયો છે.
નાણાકીય વર્ષ 2026-27માં તા. 1 એપ્રિલથી 31 ઓક્ટોબર, 2026 સુધીના સાત મહિનામાં રાજકોટ ડિવિઝન દ્વારા કુલ 2,34,367.5 ક્વિન્ટલ માલનું પરિવહન કરવામાં આવ્યું હતું. જેના થકી રૂ. 8,44,44,855ની માલભાડાની આવક પ્રાપ્ત થઈ હતી.
આ સિદ્ધિ બદલ રાજકોટ ડિવિઝનના મંડળ રેલ પ્રબંધક ગિરિરાજ કુમાર મીનાએ વાણિજ્ય વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે આ સફળતાને અધિકારીઓ અને કર્મચારીઓની મહેનત, કાર્યદક્ષતા, પ્રતિબદ્ધતા અને સામૂહિક ટીમ ભાવનાનું પરિણામ ગણાવી ભવિષ્યમાં પણ પાર્સલ અને માલ પરિવહન ક્ષેત્રે નવી સિદ્ધિઓ હાંસલ કરવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.




