જામનગર નજીક દરેડમાં એક રહેણાંક મકાન પર દરોડો : 55 હજારથી વધુનો ઇંગ્લિશ દારૂનો જથ્થો ઝડપાયો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Jamnagar Liquor Raid : જામનગરના પંચકોશી બી ડિવિઝન પોલીસ સ્ટેશનની ટીમે દરેડ ગામમાં દરોડો પાડી ઇંગ્લિશ દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. પોલીસને ખાનગી બાતમી મળતા પોલીસની ટીમે 2 પંચોની હાજરીમાં દરેડ ગામની પટેલ શેરી નજીક, 100 ખોલીની પાછળ આવેલા ખુલ્લા પ્લોટ પાસે રણજીતસિંહ બહાદુરસિંહ જાડેજાના કબ્જાના મકાન પર રેઇડ કરી હતી.
દરોડા દરમિયાન મકાનના નીચેના માળે આવેલા રૂમમાંથી મધ્યપ્રદેશમાં વેચાણ માટેની વ્હિસ્કીની 750 મિલીની 32 સીલબંધ બોટલો તેમજ 180 મિલીની 80 સીલબંધ ચપટા મળી આવ્યા હતા. જપ્ત કરાયેલા દારૂની કુલ કિંમત રૂ.55,200 હોવાનું પોલીસે નોંધ્યું છે. આરોપી પાસે દારૂ રાખવા માટે કોઈ પાસ કે પરમિટ ન હોવાનું બહાર આવતાં સમગ્ર મુદ્દામાલ કબજે લેવામાં આવ્યો હતો.
પ્રાથમિક પૂછપરછ દરમિયાન આરોપીએ આ દારૂ મધ્યપ્રદેશના દિલીપભાઈ બામણિયા નામના વ્યક્તિ પાસેથી મેળવ્યો હોવાનું પોલીસને જણાવ્યું હતું. આ માહિતીના આધારે દારૂ સપ્લાય કરનાર વ્યક્તિની સંડોવણી અંગે પણ તપાસ હાથ ધરવામાં આવી છે.
પંચનામાની કાર્યવાહી પૂર્ણ થયા બાદ પોલીસે રણજીતસિંહ બહાદુરસિંહ જાડેજાની ધરપકડ કરી હતી. આરોપીઓ સામે ગુજરાત પ્રોહિબિશન અધિનિયમની કલમ 65(એ)(ઇ), 81 અને 116(બી) હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.




