જામનગરમાં ડ્રીમ સિટી વિસ્તારમાં મહિલાઓ દ્વારા રમાતા તીનપત્તીના જુગાર પર પોલીસનો દરોડો, 6 મહિલાઓ ઝડપાઈ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Jamnagar Gambling Raid : જામનગર શહેરના સ્વામીનારાયણનગર સ્થિત ડ્રીમ સિટી વિસ્તારમાં ચાલતા જુગારધામ પર જામનગર સીટી 'બી' ડિવિઝન પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ક્વોડે દરોડો પાડી ગંજીપત્તાના પાના વડે તીનપત્તી રોનપોલી નામનો જુગાર રમતી છ મહિલાઓને ઝડપી પાડી તેમની પાસેથી રૂ.30,800ની રોકડ તથા ગંજીપત્તાના પાનાં કબજે કર્યા છે.
જામનગરના સીટી 'બી' ડિવિઝન પોલીસ ઇન્સ્પેક્ટર એન.એમ.ગઢવીના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ક્વોડ પેટ્રોલિંગમાં હતું.
દરમિયાન પોલીસને ખાનગી બાતમી મળી હતી કે સ્વામીનારાયણનગર ડ્રીમ સિટી, શેરી નં. 'સી' ખાતે આવેલા એક મકાન પાસે મહિલાઓ ગંજીપત્તાના પાનાં વડે પૈસાની હારજીતનો જુગાર રમી રહી છે. જે બાતમીના આધારે પોલીસે સ્થળ પર દરોડો પાડતાં રીનાબેન રમેશભાઈ પટેલ, હેમાબેન પરેશભાઈ ખુબચંદાણી, લતાબેન હરીશભાઈ હિંદુજા, સુનીતાબેન જીતુભાઈ નાગપાલ, મધુબેન જેરામભાઈ વાછાણી અને આશાબેન યોગેશભાઈ મેવાડાને જુગાર રમતા રંગેહાથ ઝડપી પાડ્યા હતા.
પોલીસે મહિલાઓ પાસેથી કુલ રૂ.30,800ની રોકડ તેમજ ગંજીપત્તાના પાનાં કબજે કર્યા હતા. આ અંગે જુગારધારા કલમ-12 હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.









