જામનગર જિલ્લામાં જુગાર સામે પોલીસની તવાઈ : 3 દરોડામાં 23 શખ્સો ઝડપાયા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Jamnagar Gambling Raid : જામનગર જિલ્લામાં પોલીસે જુગારની પ્રવૃત્તિ સામે કાર્યવાહી હાથ ધરી ત્રણ અલગ-અલગ સ્થળે દરોડા પાડી જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા કુલ 23 શખ્સોને ઝડપી લીધા હતા. લાલપુર, જામનગર શહેરના પટેલનગર અને જામજોધપુરના વેરાવળ ગામે પાડવામાં આવેલા ત્રણ દરોડામાં પોલીસે કુલ રૂ.1,33,980 રોકડા, ગંજીપત્તાના 156 પાનાં તથા બે મોટરસાઇકલ મળી કુલ રૂ.1,83,980નો મુદ્દામાલ કબજે કરી જુગારધારા હેઠળ કાર્યવાહી કરી છે.
લાલપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે પોલીસે લાલપુર શેરીની હોટલ નજીક ખુલ્લી જગ્યામાં દરોડો પાડ્યો હતો. અહીં સામસામે બેસીને તીનપત્તીનો જુગાર રમતા ધરાનગરના ભાણજીભાઈ દાનાભાઈ મકવાણા (42), પાનનગરના રમેશભાઈ જેઠીરામભાઈ શ્રીમાળી (50), ધરાનગરના દિલીપભાઈ પરબતભાઈ ગોહિલ (39), પરાનગરના કરશનભાઈ કાનદાસભાઈ પરમાર (73) અને પરાનગરના જેન્તીલાલ દયાસમભાઈ દાણીધારિયા (62) મળી પાંચ શખ્સોને ઝડપી લેવાયા હતા. પોલીસે અંગઝડતીના રૂ.2,200 તથા જુગારના સ્થળેથી રૂ.80 મળી કુલ રૂ.2,280 રોકડા અને ગંજીપત્તાના પાનાં કબજે કર્યા હતા. આ અંગે પાંચેય સામે જુગારધારા કલમ 12 હેઠળ ગુનો નોંધાયો છે. જેમાં ત્રણની ધરપકડ કરી જ્યારે બેને ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ 35(3) મુજબ નોટિસ આપવામાં આવી છે.
બીજી તરફ, જામનગર શહેરના પટેલનગર મારૂતિપાર્ક શેરી નં.1માં પ્રજાપતિ સમાજની વાડીવાળી શેરીના ખૂણે સીટી-એ ડિવિઝન પોલીસે દરોડો પાડ્યો હતો. અહીં જાહેરમાં ગંજીપત્તાથી પૈસાની હારજીતનો તીનપત્તીનો જુગાર રમતી 14 મહિલાઓ ઝડપાઈ હતી. પોલીસે સુમનબેન મકવાણા (35), સંગીતાબેન કબીશ (45), ચંપાબેન વાઘેલા (70), ધનીબેન કબીરા (54), પાર્વતિબેન ચૌહાણ (40), ગીતાબેન ચૌહાણ (45), મિતલબેન કબીરા (28), પ્રિતિબેન વાણીયા (34), વીજ્યાબેન ખાણીયા (55), મંજુબેન પુરબીયા (65), પુજાબેન પરમાર (30), મીનાબેન બારીયા (43), હંસાબેન નારોલા (55) અને સોનલબેન વાઘેલા (25)ને ઝડપી લીધા હતા.
પોલીસે મહિલાઓ પાસેથી અલગ-અલગ રોકડ રૂ.65,700 તથા જુગારના સ્થળેથી રૂ.2,400 મળી કુલ રૂ.68,100 રોકડા અને ગંજીપત્તાના પાનાં કબજે કર્યા હતા. તમામ 14 મહિલાઓ સામે જુગારધારા કલમ 12 મુજબ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
જામજોધપુર પોલીસે પણ જુગારની પ્રવૃત્તિ સામે કાર્યવાહી કરતાં વેરાવળ ગામે પાણીના ટાંકા પાસે જાહેર સ્થળે દરોડો પાડ્યો હતો. પોલીસને અહીં તીનપત્તીનો જુગાર રમાતો હોવાની બાતમી મળતાં દરોડો પાડવામાં આવ્યો હતો. પોલીસની કાર્યવાહી દરમિયાન ચાર શખ્સો ઝડપાયા હતા, જ્યારે બે શખ્સો નાસી છૂટતાં તેમને ફરાર જાહેર કરવામાં આવ્યા હતા.
આ દરોડામાં સેવક દેવળીયા ગામના ફારૂકભાઈ ઉઢાભાઈ ઘુઘા (35), જામજોધપુરના રબારી પાના બસીરભાઈ અહેમદભાઈ સમા (48), જામજોધપુરના આંબેડકર ચોકના વિજયભાઈ ગોરાભાઈ સોલંકી (45) અને સેવક દેવળીયા ગામના ઈબ્રાહીમભાઈ હાસમભાઈ ઘુઘા (60)ને ઝડપી લેવાયા હતા. આરોપી નં.1થી 3ની ધોરણસર ધરપકડ કરવામાં આવી હતી, જ્યારે આરોપી નં.4ને નોટિસ આપવામાં આવી હતી. પોલીસે સ્થળ પરથી રૂ.13,600 રોકડા, ગંજીપત્તાના પાનાં તથા રૂ.50,000ની કિંમતની બે મોટરસાઇકલ મળી કુલ રૂ.63,600નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
આમ, જામનગર જિલ્લામાં જુગાર સામેની કાર્યવાહીમાં લાલપુર, પટેલનગર અને જામજોધપુરના વેરાવળ ગામે પાડવામાં આવેલા ત્રણ દરોડામાં કુલ 23 શખ્સો ઝડપાયા હતા. ત્રણેય દરોડામાં કુલ રૂ.1,33,980 રોકડા, ગંજીપત્તાના પાનાં અને બે મોટરસાઇકલ સહિત કુલ રૂ.1,83,980નો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો છે.









