જામનગર શહેર અને જોડિયામાં જુગાર પર પોલીસનો સપાટો: બે સ્થળે દરોડા, 7 મહિલાઓ સહિત 12 જુગારીઓ ઝડપાયા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Jamnagar: જામનગર શહેર અને જિલ્લાના જોડિયા તાલુકામાં જાહેરમાં ચાલતા જુગારના અડ્ડાઓ સામે પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે. સિટી "સી" ડિવિઝન પોલીસ અને જોડિયા પોલીસે અલગ-અલગ સ્થળે દરોડા પાડી 7 મહિલાઓ સહિત કુલ 12 જુગારીઓને ઝડપી પાડ્યા છે. બંને કાર્યવાહી દરમિયાન કુલ રૂ. 22,310ની રોકડ રકમ તથા ગંજીપત્તાના બે સેટ એટલે કે કુલ 104 પાનાં કબજે કરવામાં આવ્યા છે. બંને બનાવોમાં જુગારધારા કલમ-12 હેઠળ ગુના નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
પ્રથમ બનાવમાં જામનગર શહેરના ઘરાનગર વિસ્તારમાં શિવ મંદિર સામે, ખોડીયાર પોલીસ ચોકી નજીક જાહેરમાં ગંજીપત્તાના પાનાં વડે પૈસાની હારજીતનો 'તીન પત્તી રોન પોલીસ' જુગાર રમતા સાત મહિલા અને એક પુરુષ સહિત કુલ આઠ આરોપીઓને સિટી "સી" ડિવિઝન પોલીસે રંગેહાથે ઝડપી પાડ્યા હતા. પોલીસે દરોડા દરમિયાન ગંજીપત્તાના ૫૨ પાનાં તથા રોકડા રૂ. 10,520 મળી કુલ રૂ. 10,520નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
આ બનાવમાં ગુણવંતીબેન બટુકપરી ગોસાઈ, રેશમાબેન કાસમભાઈ બાદરાણી, રેશમાબેન અલતાફભાઈ મકરાણી, ભારતીબેન ભીખુભાઈ નાગેશ, જ્યોત્સનાબેન રશીકગીરી ગોસ્વામી, રેશમાબેન કાસમભાઈ સંઘી, ચંદ્રાબા નાનભા જેઠવા તથા કાસમભાઈ રમજાનભાઈ બાદરાણીને ઝડપી લઈ તેમની સામે જુગારધારા હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે.
બીજા બનાવમાં જોડિયા ટાઉન વિસ્તારમાં મેકડા શેરીના ખૂણા પાસે જાહેરમાં રૂપિયા લગાવી 'તીન પત્તી રોન પોલીસ' જુગાર રમતા ચાર શખ્સોને જોડિયા પોલીસે ખાનગી બાતમીના આધારે દરોડો પાડી ઝડપી પાડ્યા હતા. પોલીસે સહીમભાઈ નુરમામદભાઈ ગાધ, હારૂનભાઈ કાસમભાઈ સાચચા, ફારૂકભાઈ આજીવાભાઈ ઓડીયા તથા કાસમભાઈ અકબરભાઈ સાચચાની અટકાયત કરી હતી.
પોલીસે તેમની પાસેથી તથા જુગાર રમાતી જગ્યાએથી કુલ રૂ. 11,790ની રોકડ રકમ અને ગંજીપત્તાના ૫૨ પાનાં કબજે કર્યા હતા. ચારેય આરોપીઓ સામે પણ જુગારધારા કલમ-12 હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
જામનગર શહેર અને જિલ્લામાં જાહેરમાં ચાલતા જુગારના અડ્ડાઓ સામે પોલીસ દ્વારા સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે. પોલીસે જાહેરમાં પૈસાની હારજીતનો જુગાર રમનારાઓ સામે કડક કાર્યવાહી ચાલુ રાખવાની ચેતવણી ઉચ્ચારી છે.




