જામનગરમાં મયુર નગર વિસ્તારમાં જૂની બોલાચાલીનો ખાર રાખી યુવકને માર માર્યાની પોલીસ ફરિયાદ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Jamnagar Crime : જામનગરના મયુરનગર વામ્બે આવાસમાં રહેતા શ્રમિક યુવકને જૂની બોલાચાલીનો ખાર રાખી એક શખ્સે ગાળો આપી જાપટ માર્યા બાદ જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ સીટી-સી ડિવિઝન પોલીસ મથકમાં નોંધાઈ છે. આ ઉપરાંત યુવક સાથે આવેલી મહિલાના ઘરની બહાર લગાવેલો કેમેરો તોડી નુકસાન કર્યાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે.
ફરિયાદ મુજબ, મયુરનગર વામ્બે આવાસમાં ભાડેથી રહેતા અને કલરકામ કરી ગુજરાન ચલાવતા કમલેશકુમાર શ્રીશંકર પ્રસાદ (ઉ.વ. 30) તા. 15 સપ્ટેમ્બરની રાત્રે સાડા દસેક વાગ્યે પોતાના જીજાજી રમેશભાઈ સાથે ઘરે જમતા હતા. તે દરમિયાન તેમના ઘરનો દરવાજો ખખડાવતા કમલેશકુમારે દરવાજો ખોલ્યો હતો. બહાર તેમના લતામાં રહેતો અલી રજાકભાઈ ભગાડ જોવા મળ્યો હતો.
અલીએ કમલેશને, “કલીમુન તારી શું થાય છે અને તેનો પક્ષ કેમ ખેંચે છે?” તેમ કહી બોલાચાલી કરી ગાળો આપવાનું શરૂ કરી જાપટ માર્યાનો ફરિયાદમાં ઉલ્લેખ છે. ત્યારબાદ કમલેશે પોતાના શેઠ મનોવર અલીને ફોન કરતાં તેમણે કલીમુન બહેનને ફોન કરીને કમલેશના ઘરે બોલાવ્યા હતા. કલીમુન ત્યાં પહોંચતા અલીએ તેમને પણ ગાળો આપી હતી અને બંનેને “મારું કોઈ દિવસ નામ લેશો તો જાનથી મારી નાખીશ” તેવી ધમકી આપી ત્યાંથી ચાલ્યો ગયો હતો.
ફરિયાદમાં વધુમાં જણાવ્યા મુજબ, ત્યારબાદ અલી કલીમુનના ઘરે ગયો હતો અને ઘરની બહાર લગાવેલો કેમેરો તોડી નુકસાન કર્યા બાદ ત્યાંથી નીકળી ગયો હતો. અગાઉ કલીમુન સાથે થયેલી બોલાચાલીનો ખાર રાખીને આ હુમલો અને ધમકી આપવામાં આવી હોવાનો આક્ષેપ ફરિયાદમાં કરવામાં આવ્યો છે.
આ અંગે સીટી-સી ડિવિઝન પોલીસ મથકમાં ભારતીય ન્યાય સંહિતા-2023ની કલમ 115(2), 296(બી), 351(3) અને 324(4) મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે.




