શ્રાવણ માસના બીજા સોમવારે ભોળેશ્વર મહાદેવના દર્શને ઉમટ્યા પદયાત્રીઓ ; માર્ગમાં સેવા કેમ્પો બન્યા આસ્થાના કેન્દ્ર
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Jamnagar Shravan Special : શ્રાવણ માસના બીજા સોમવાર નિમિત્તે લાલપુર રોડ પર આવેલા ભોળેશ્વર મહાદેવ મંદિર ખાતે દર્શન કરવા માટે જામનગર શહેરમાંથી મોટી સંખ્યામાં શિવભક્તોએ પદયાત્રા શરૂ કરી હતી. રવિવારની મોડી રાતથી જ ‘હર હર મહાદેવ’ના જયઘોષ સાથે શિવભક્તોના પગલાં લાલપુર તરફ આગળ વધતા જોવા મળ્યા હતા.
જામનગરથી ભોળેશ્વર મહાદેવ સુધી શ્રાવણ માસના પ્રત્યેક સોમવારે પદયાત્રા કરીને દર્શન કરવાનો મહિમા વર્ષોથી પ્રચલિત છે. જેના પગલે શ્રાવણના બીજા સોમવારની પૂર્વસંધ્યાએ રવિવારની રાત્રિથી જ શહેરના વિવિધ વિસ્તારોમાંથી શિવભક્તો પદયાત્રામાં જોડાયા હતા. ભક્તો ભોળેશ્વર મહાદેવના દર્શન માટે શ્રદ્ધાભેર પગપાળા નીકળી પડ્યા હતા.
જામનગર-લાલપુર ધોરી માર્ગ પર પદયાત્રીઓની સંખ્યા વધતા વિવિધ સ્થળોએ શિવભક્તોની સેવા માટે સેવા કેમ્પો પણ ઉભા કરવામાં આવ્યા હતા. આ કેમ્પોમાં પદયાત્રીઓ માટે પ્રસાદ, ચા-પાણી સહિતની વિવિધ સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. રાત્રિના સમયે લાંબી પદયાત્રા કરતા શિવભક્તોને માર્ગમાં જરૂરી સુવિધા મળી રહે તે માટે સેવાભાવી સંસ્થાઓ તથા શિવભક્તો દ્વારા સેવા આપવામાં આવી હતી.
દરમિયાન, પદયાત્રીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને જામનગર હોમગાર્ડઝના જવાનો દ્વારા પણ સેવાકીય કામગીરી કરવામાં આવી હતી. રાત્રિના અંધકારમાં પદયાત્રીઓ વાહનચાલકોને સરળતાથી દેખાઈ શકે અને અકસ્માતનો ભય ટાળી શકાય તે હેતુથી હોમગાર્ડઝના જવાનો દ્વારા પદયાત્રીઓના વસ્ત્રો તથા અન્ય સ્થળોએ રેડિયમ રિફ્લેક્ટર લગાવવાની સેવા કરવામાં આવી હતી.
રાત્રિના સમયે માર્ગ પરથી પસાર થતા વાહનોના ચાલકોને પદયાત્રીઓ દૂરથી જ નજરે પડે અને તેમની સલામતી જળવાઈ રહે તે માટે હોમગાર્ડઝના જવાનોએ ઉત્સાહપૂર્વક આ સેવાકાર્યમાં ભાગ લીધો હતો. બીજી તરફ, વહેલી સવાર સુધીમાં અનેક પદયાત્રીઓ ભોળેશ્વર મહાદેવ મંદિર તરફ આગળ વધ્યા હતા અને ભગવાન ભોળાનાથના દર્શનનો લાભ લીધો હતો.
શ્રાવણ માસ દરમિયાન ભોળેશ્વર મહાદેવના દર્શન માટે પદયાત્રીઓની સંખ્યા વધતી હોવાથી જામનગર-લાલપુર માર્ગ પરથી પસાર થતા વાહનચાલકોને પણ રાત્રિના સમયે ખાસ સાવચેતી રાખવા અને પદયાત્રીઓની સુરક્ષામાં સહયોગ આપવા અપીલ કરવામાં આવી હતી.









