Jamnagar

જામનગર અને પડાણાના બે વ્યાજખોરો સામે પઠાણી વ્યાજખોરીનો ગુનો : રૂ. 32 લાખના વ્યવહાર અને સોનાના દાગીના વેચી નાખ્યાનો આક્ષેપ

By GS Team
6 Aug 20262 mins read
TukuTouch Logo
જામનગરમાં ગોકુલનગરના વેપારી મુકેશ જ્ઞાનચંદાણીએ નોંધાવેલી ફરિયાદ મુજબ, ભરત નંદા અને રવિરાજસિંહ ગોહીલ સામે મની લેન્ડર્સ એક્ટ હેઠળ ગુનો નોંધાયો છે. મુકેશભાઈએ રૂ. 32 લાખ સામે 120 ગ્રામ સોનાના દાગીના ગીરવે મૂક્યા હતા. રૂ. 22 લાખ વ્યાજ ચૂકવ્યા છતાં આરોપીએ દાગીના વેચી નાખ્યા અને ધમકી આપી. અન્ય એક કિસ્સામાં, રૂ. 4 લાખના બદલામાં રૂ. 3 લાખનું ફર્નિચર પડાવી લેવાયું. પોલીસે તપાસ શરૂ કરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

જામનગર અને પડાણાના બે વ્યાજખોરો સામે પઠાણી વ્યાજખોરીનો ગુનો : રૂ. 32 લાખના વ્યવહાર અને સોનાના દાગીના વેચી નાખ્યાનો આક્ષેપ

Jamnagar News : જામનગર શહેરના ગોકુલનગર વિસ્તારમાં રહેતા વેપારી મુકેશકુમાર પરસોતમભાઈ જ્ઞાનચંદાણીની ફરિયાદના આધારે સીટી ‘બી’ ડિવિઝન પોલીસે બે શખ્સો સામે ગુજરાત મની લેન્ડર્સ એક્ટ-2011ની કલમ 5, 39, 40 અને 42 તેમજ ભારતીય ન્યાય સંહિતાની કલમ 316(2), 351(3) સહિતની જોગવાઈઓ હેઠળ ગુનો નોંધ્યો છે.
ફરિયાદ મુજબ વર્ષ 2023 દરમિયાન ફરિયાદી વેપારી મુકેશભાઈએ ધંધાકીય જરૂરિયાતને કારણે રણજીતસાગર રોડ, મયુર ગ્રીન વિલા સોસાયટીમાં રહેતા ભરતભાઈ નંદા પાસેથી તબક્કાવાર આશરે રૂ.32 લાખ ઉછીના લીધા હતા. તેના બદલામાં ચાર સોનાના બિસ્કિટ, બે સોનાની ચેન અને એક સોનાની લકી સહિત આશરે 120 ગ્રામ જેટલા સોનાના દાગીના સિક્યોરિટી તરીકે ગીરવે મૂક્યા હતા. ફરિયાદીનો આક્ષેપ છે કે જાન્યુઆરી-2023થી ફેબ્રુઆરી-2025 દરમિયાન આશરે રૂ. 22 લાખ વ્યાજ ચૂકવ્યા છતાં આરોપીએ ગીરવે રાખેલા દાગીના તેમની જાણ બહાર વેચી નાખ્યા અને દાગીના અંગે પૂછતાં ગાળો આપી ધમકી આપી હતી.
ફરિયાદમાં વધુમાં જણાવાયું છે કે પડાણા ગામના રવિરાજસિંહ ગોહીલે ફરિયાદીના ભાઈ ઘનશ્યામભાઈને રૂ. 4 લાખ માસિક પાંચ ટકા વ્યાજે આપ્યા હતા. આ રકમના બદલામાં રોકડ, ગુગલ પે તેમજ તંબાકુ-પાન મસાલાના માલ સ્વરૂપે આશરે રૂ. 4 લાખ જેટલું વ્યાજ ચૂકવવામાં આવ્યું હોવા છતાં આરોપીએ આશરે રૂ.3 લાખના ફર્નિચરને માત્ર રૂ. 40 હજારની કિંમત ગણી કબજે કરી લીધું હોવાનું તેમજ હજુ પણ વધુ રકમની ઉઘરાણી કરી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાનો ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે.
સીટી ‘બી’ ડિવિઝન પોલીસે ફરિયાદના આધારે બંને આરોપીઓ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.