જામનગરમાં પર્વાધિરાજ પર્યુષણ પર્વનો આજથી પ્રારંભ : જૈન જિનાલયોમાં વિશેષ શણગાર સાથે ધાર્મિક કાર્યક્રમોની હારમાળા, શ્રાવક-શ્રાવિકાઓમાં ભારે ઉત્સાહ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Jamnagar News : જૈન સમાજના પવિત્ર અને પર્વાધિરાજ તરીકે ઓળખાતા પર્યુષણ પર્વનો જામનગર શહેરમાં આજથી ધાર્મિક માહોલ વચ્ચે પ્રારંભ થયો છે. પર્યુષણ પર્વને લઈને શહેરના વિવિધ જિનાલયોમાં વિશેષ શણગાર, રોશની તથા ધાર્મિક આયોજન કરવામાં આવ્યા છે. સમગ્ર શહેરમાં જૈન સમાજમાં પર્વને લઈને ઉત્સાહ અને ભક્તિભાવનો માહોલ જોવા મળી રહ્યો છે.
પર્યુષણ પર્વના આઠ દિવસ દરમિયાન વિવિધ જિનાલયોમાં ભગવાનની વિશેષ આંગી, પૂજા-અર્ચના, ધાર્મિક પ્રવચનો, પ્રતિક્રમણ, પૌષધ સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાશે. શ્રાવક-શ્રાવિકાઓ દ્વારા પર્યુષણ પર્વ દરમિયાન ઉપવાસ, એકાસણાં તેમજ વિવિધ પ્રકારની તપશ્ચર્યાઓ કરવામાં આવશે.
આ પર્વ આત્મશુદ્ધિ, સંયમ, તપ અને ક્ષમાભાવના પર્વ તરીકે જૈન સમાજમાં વિશેષ મહત્વ ધરાવે છે. પર્યુષણના દિવસોમાં જૈન સમાજના લોકો ધાર્મિક આરાધના સાથે આત્મચિંતન અને આધ્યાત્મિક સાધના તરફ વધુ ધ્યાન કેન્દ્રિત કરશે.
પર્યુષણ પર્વ દરમિયાન મહાવીર જન્મકલ્યાણકની ઉજવણી તેમજ પર્વના અંતિમ તબક્કામાં સંવત્સરી પર્વની પણ ભાવભેર ઉજવણી કરવામાં આવશે. સંવત્સરીના પવિત્ર દિવસે જૈન સમાજના શ્રાવક-શ્રાવિકાઓ વર્ષ દરમિયાન થયેલી ભૂલો બદલ પરસ્પર ક્ષમાયાચના કરી ‘મિચ્છામી દુક્કડમ’ પાઠવશે.
જામનગરના વિવિધ જૈન દેરાસરો અને જિનાલયોમાં આગામી દિવસોમાં યોજાનારા ધાર્મિક કાર્યક્રમોમાં મોટી સંખ્યામાં શ્રાવક-શ્રાવિકાઓ જોડાશે. પર્યુષણ પર્વને લઈને સમગ્ર જૈન સમાજમાં ભક્તિ, તપ, સંયમ અને ક્ષમાભાવનાની અનોખી ધાર્મિક છટા જોવા મળી રહી છે.




