કાલાવડ, જોડીયા અને મોરબીના ખેડૂતોના સિંચાઈ પ્રશ્ને ધારાસભ્યની જળસંપત્તિ મંત્રી સમક્ષ રજૂઆત
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Jamnagar : કાલાવડ વિસ્તારના ધારાસભ્ય મેઘજીભાઈ એ.ચાવડાએ કાલાવડ, જોડીયા અને મોરબી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતો અને પ્રજાજનોને સતાવતા સિંચાઈ તથા પીવાના પાણીના પ્રશ્નોના તાત્કાલિક ઉકેલ માટે રાજ્યના જળસંપત્તિ મંત્રી (સ્વતંત્ર હવાલો) ઈશ્વરસિંહ પટેલને સત્તાવાર પત્રો પાઠવીને રૂબરૂ રજૂઆતો કરી છે.
કાલાવડ તાલુકામાં હાલ પાણીની ગંભીર અછત સર્જાઈ હોવાનું જણાવીને ખેડૂતોના ઊભા પાકને બચાવવા માટે સૌની યોજના મારફતે ઉંડ-4 ડેમમાં પાણી ઠાલવી ડેમના એચ.આર.ગેટ મારફત નદીમાં પાણી વહેવડાવવા રજૂઆત કરવામાં આવી છે. આ ઉપરાંત જોડીયા તાલુકાના ખેડૂતોને સિંચાઈ માટે પૂરતું પાણી મળી રહે તે હેતુથી આજી-4 ડેમમાંથી પાણી છોડવા અંગે પણ જળસંપત્તિ મંત્રી સમક્ષ રજૂઆત કરવામાં આવી છે.
ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડાએ મોરબી તાલુકાના ખેતી આધારિત અને પછાત વિસ્તારોના પ્રશ્નો પણ મંત્રી સમક્ષ રજૂ કર્યા હતા. મોરબી તાલુકાના ઉટબેટ શામપર, ફડસર, રામપર-પાડાબેકર, બેલા (આ), આમરણ, જીવાપર (આ), બાદનપર (આ), ફાટસર, કેરાળી, ખારચીયા અને રાજપર (કં) સહિતના કુલ 11 ગામોના તળાવો ભરવા અને ખેડૂતોને સિંચાઈની સુવિધા ઉપલબ્ધ કરાવવા આ ગામોને ડેમી-2 યોજના હેઠળ આવરી લેવા માંગ કરવામાં આવી છે.
વર્તમાન સમયમાં વરસાદની અછતને કારણે ખેડૂતોના ઊભા પાક સામે નુકસાનીનું સંકટ ઊભું થયું હોવાથી આ પ્રશ્નોના ત્વરિત ઉકેલ માટે જરૂરી કાર્યવાહી કરવામાં આવે તેવી ધારાસભ્ય દ્વારા જળસંપત્તિ મંત્રીને ભારપૂર્વક રજૂઆત કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.




