જામનગર જિલ્લામાં આખરે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી: છેલ્લા ચોવીસ કલાકમાં સાર્વત્રિક વરસાદ, કાલાવડમાં સૌથી વધુ 72 મી.મી. વરસાદ નોંધાયો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Jamnagar Rain: જામનગર જિલ્લામાં ગુરુવાર મોડી રાત્રિથી મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરતાં જિલ્લાના વિવિધ વિસ્તારોમાં સાર્વત્રિક વરસાદ વરસ્યો હતો. લાંબા વિરામ બાદ વરસેલા વરસાદથી ખેડૂતો સહિત નાગરિકોમાં આનંદની લાગણી જોવા મળી હતી. અનેક વિસ્તારોમાં રસ્તાઓ પર પાણી ફરી વળ્યાં હતાં અને વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી.
જિલ્લા કન્ટ્રોલ રૂમ દ્વારા જાહેર કરવામાં આવેલા સત્તાવાર વરસાદના આંકડા મુજબ છેલ્લા ચોવીસ કલાક દરમિયાન કાલાવડ તાલુકામાં સૌથી વધુ 72 મી.મી. વરસાદ નોંધાયો છે. જ્યારે ધ્રોલમાં 63 મી.મી., જોડિયામાં 50 મી.મી., જામનગર શહેર અને તાલુકામાં 38 મી.મી., લાલપુરમાં 16 મી.મી. અને જામજોધપુરમાં 6 મી.મી. વરસાદ નોંધાયો છે. સમગ્ર જિલ્લાનો સરેરાશ વરસાદ 40.83 મી.મી. નોંધાયો છે.
જામનગર શહેરમાં ગઈકાલે સમગ્ર દિવસ દરમિયાન ઉકળાટ ભર્યું વાતાવરણ રહ્યા બાદ રાત્રિના પોણા બાર વાગ્યા થી ધીમીધારે વરસાદની શરૂઆત થઈ હતી, અને રાત્રી વરસાદ ચાલુ રહ્યો હતો. જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે અને અંદાજે પાણી પડી ગયું હોવાના અહેવાલો પ્રાપ્ત થયા છે. આજે પણ વહેલી સવારથી સૂર્યદેવતા અલીપ્ત જ રહ્યા છે, અને આકાશ ગૌરંભાયેલું છે, જેથી વધુ વરસાદ પડવાની શક્યતાઓ છે.
ચાલુ ચોમાસા દરમિયાન અત્યાર સુધીના કુલ વરસાદની વાત કરીએ તો જામજોધપુર તાલુકામાં 231 મી.મી. સાથે સૌથી વધુ વરસાદ નોંધાયો છે. ત્યારબાદ કાલાવડમાં 146 મી.મી., ધ્રોલમાં 112 મી.મી., જોડિયામાં 109 મી.મી., લાલપુરમાં ૭૧ મી.મી. અને જામનગર તાલુકામાં 68 મી.મી. વરસાદ નોંધાયો છે. જિલ્લાના કુલ સરેરાશ વરસાદનો આંક 122.83 મી.મી. પર પહોંચ્યો છે.
હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં પણ જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. વરસાદને પગલે ખેડૂતોમાં આશાનું નવું કિરણ જાગ્યું છે અને ખરીફ પાક માટે અનુકૂળ પરિસ્થિતિ સર્જાઈ છે.




