જામનગર શહેરમાં મેઘરાજાની ફરી હાથતાળી, વરસાદની રાહમાં નગરજનો અને ખેડૂતો ચિંતાતુર
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Jamnagar Rain Update : જામનગર શહેર અને જિલ્લામાં છેલ્લા બે દિવસથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો હોવા છતાં મેઘરાજા મનમુકીને વરસ્યા નથી. આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાઈ રહ્યા છે અને વાતાવરણમાં ઠંડક પ્રસરી રહી છે, પરંતુ નોંધપાત્ર વરસાદ હજુ સુધી થયો નથી. જેના કારણે શહેરજનો તેમજ ખેડૂતોમાં નિરાશા વ્યાપી છે.
ગઈકાલે બપોર બાદ જામનગર શહેરમાં ઘેરા વાદળો છવાતા સારા વરસાદની આશા જાગી હતી. જોકે મેઘરાજાએ ફરી એક વખત હાથતાળી આપી હતી. રાત્રે લગભગ 10 વાગ્યા બાદ શહેરના કેટલાક વિસ્તારોમાં માત્ર સામાન્ય છાંટા અને ઝાપટાં સ્વરૂપે વરસાદ નોંધાયો હતો. થોડા સમય બાદ વરસાદ બંધ થઈ જતા લોકોની આશા પર ફરી પાણી ફરી વળ્યું હતું.
જામનગર શહેર ઉપરાંત લાલપુર વિસ્તારમાં પણ આજે સવારે માત્ર અંદાજે 3 મીમી જેટલો વરસાદ નોંધાયો હતો. તે સિવાય જિલ્લાના અન્ય કોઈ તાલુકા મથકે નોંધપાત્ર વરસાદ નોંધાયો નથી. વરસાદના અભાવે ખેડૂતો ચિંતિત બન્યા છે અને ખેતી માટે પૂરતા વરસાદની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે.
હાલમાં જિલ્લામાં વાદળછાયું વાતાવરણ યથાવત છે. આજે મહત્તમ તાપમાન 36.0 ડિગ્રી સેલ્સિયસ, લઘુત્તમ તાપમાન 28.0 ડિગ્રી સેલ્સિયસ, હવામાં ભેજનું પ્રમાણ 74 ટકા અને 15.9 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે. ભેજનું ઊંચું પ્રમાણ અને વાદળછાયા વાતાવરણ છતાં મેઘરાજા મન મૂકીને વરસ્યા ન હોવાથી લોકોને ઉકળાટનો અનુભવ થઈ રહ્યો છે, જ્યારે ખેડૂતોની નજર હજુ પણ આકાશ તરફ મંડાયેલી છે અને આગામી દિવસોમાં સારા વરસાદની આશા સેવાઈ રહી છે.









