Jamnagar

જામનગર શહેર અને જિલ્લામાં મેઘરાજાએ ફરી નિરાશ કર્યા : જામનગરમાં માત્ર 1 મિમી વરસાદ: અન્યત્ર શૂન્ય

By GS Team
11 Aug 20262 mins read
TukuTouch Logo
જામનગર શહેર અને જિલ્લામાં મેઘરાજાએ ફરી નિરાશ કર્યા છે. છેલ્લા 24 કલાકમાં શહેરમાં માત્ર 1 મિમી વરસાદ નોંધાયો, જ્યારે જિલ્લાના અન્ય તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ પડ્યો નથી. વરસાદની ચાતક નજરે રાહ જોઈ રહેલા નગરજનો અને ખેડૂતોની આશા ઠગારી નીવડી છે. ખેડૂતોની ચિંતા વધી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

જામનગર શહેર અને જિલ્લામાં મેઘરાજાએ ફરી નિરાશ કર્યા : જામનગરમાં માત્ર 1 મિમી વરસાદ: અન્યત્ર શૂન્ય

Jamnagar Rain Update : જામનગર શહેર અને જિલ્લામાં મેઘરાજાએ ફરી એક વખત લોકોને નિરાશ કર્યા છે. છેલ્લા કેટલાક સમયથી વરસાદની રાહ જોઈ રહેલા નગરજનો અને ખેડૂતોને આજે પણ મેઘરાજાની હેત વરસાવતી મેઘવૃષ્ટિ જોવા મળી નથી. જામનગર શહેરમાં ગઈકાલે સવારે મેઘાડંબર વાતાવરણ સર્જાયું હતું અને આકાશમાં ઘેરા કાળા વાદળો છવાઈ ગયા હતા. ત્યારબાદ વરસાદી ઝાપટાં શરૂ થતાં લોકોમાં આશા જાગી હતી કે મેઘરાજા મન મૂકીને વરસશે, પરંતુ ગણતરીની ક્ષણોમાં જ વરસાદ અટકી જતાં ફરી નિરાશા સાંપડી હતી.
જામનગર શહેરમાં છેલ્લા 24 કલાક દરમિયાન માત્ર 1 મિમી વરસાદ નોંધાયો હોવાનું હવામાન વિભાગના આંકડામાં સામે આવ્યું છે. જ્યારે જામનગર જિલ્લાના અન્ય તમામ તાલુકા મથકોમાં છેલ્લા 24 કલાક દરમિયાન નોંધપાત્ર વરસાદ નોંધાયો નથી. પરિણામે ચાતક નજરે વરસાદની રાહ જોઈ રહેલા નગરજનોની આશા ફરી ઠગારી નીવડી છે.
જામનગર જિલ્લામાં વરસાદના અભાવે ખેડૂતોની ચિંતા પણ વધતી જાય છે. ચોમાસાની ઋતુમાં સમયસર અને પૂરતો વરસાદ ન પડતાં ખેતીના પાકને પણ અસર થવાની ભીતિ સેવાઈ રહી છે. ખાસ કરીને વરસાદ આધારિત ખેતી કરતા ખેડૂતોની હાલત દયનીય બનતી જાય છે અને હવે સૌની નજર મેઘરાજા ક્યારે મન મૂકીને વરસે તેના પર મંડાયેલી છે.
આજે સવારે પણ મેઘાડંબર, છૂટાછવાયા છાંટા
જામનગર શહેરમાં આજે સવારે પણ આકાશમાં વાદળો છવાયેલા જોવા મળ્યા હતા અને કેટલાક વિસ્તારોમાં વરસાદના છાંટા પડ્યા હતા. વાદળછાયા વાતાવરણને પગલે વરસાદની આશા જાગી હતી, પરંતુ મેઘરાજાએ ફરી મન મૂકીને મેઘવૃષ્ટિ નહીં કરતાં લોકોમાં નિરાશા જોવા મળી હતી. વાદળો ઘેરાય છે, વરસાદના છાંટા પડે છે અને થોડીવારમાં જ વાતાવરણ ફરી ખુલ્લું થઈ જાય છે. આ પ્રકારની સ્થિતિ વચ્ચે જામનગરવાસીઓ હવે સારા વરસાદની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.