આરબલુસની સીમમાં વાડીમાંથી રૂા.1.05 કરોડનો દારૂ પકડાયો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

જામનગર : જામનગર જિલ્લાના આરબલુસ ગામની સીમમાં પોલીસે દરોડો પાડી વિદેશી દારૂની ૯૦૨૪ બોટલ, દારૂના ૧૮ હજાર ચપલા મળી કુલ રૂા.એક કરોડ પાંચ લાખથી વધુની કિમતનો દારૂ તેમજ ટ્રેક્ટર, ટ્રોલી અને કન્ટેનર સહિત કુલ રૂ. ૧,૩૦,૫૫,૫૪૮નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. સમગ્ર પ્રકરણમાં છ આરોપીઓ સામે ગુનો નોંધાયો છે, જે તમામ હાલ ફરાર હોવાથી શોધખોળ ચાલુ છે.
લાલપુર પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ ટીનુભા બચુભા જાડેજાની ફરિયાદના આધારે નોંધાયેલા ગુના મુજબ, આરબલુસ ગામની દક્ષિણ બાજુએ આવેલી વાડીમાં દરોડો પાડતા વેચાણના હેતુસર સંતાડી રાખવામાં આવેલો વિદેશી દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે સ્થળ પરથી ૯૦૨૪ બોટલ વિદેશી દારૂ (કિંમત રૂ. ૬૯,૫૫,૫૪૮), ૧૮ હજાર નંગ દારૂના ચપલા (કિંમત રૂ. ૩૬ લાખ), ટ્રેક્ટર, ટ્રોલી તથા કન્ટેનર ટ્રક સહિત કુલ રૂ. ૧.૩૦ કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યોે હતો.
આ ગુનામાં હરદેવસિંહ મંગળસિંહ જાડેજા, ભાવેશભાઈ જેઠાભાઈ પરમાર, દશરથસિંહ વનરાજસિંહ જાડેજા, ટ્રેક્ટરના ચાલક-માલિક, કન્ટેનરના ચાલક-માલિક તેમજ સ્થળ પરથી નાસી ગયેલી કાળા રંગની સ્પોર્ટ્સ યુટિલિટી વાહનના ચાલક-માલિક સહિત તપાસમાં ખુલાસો થાય તે તમામને આરોપી બનાવવામાં આવ્યા છે. તમામ આરોપીઓ હાલ ફરાર હોવાથી પોલીસે તેમની શોધખોળ શરૂ કરી છે. આરોપીઓએ પરમીટ વિના વેચાણના હેતુસર ગુજરાતમાં બહારથી વિદેશી દારૂનો જથ્થો મંગાવી વાડીમાં સંગ્રહ કર્યો હોવાનું તેમજ એકબીજાની મદદગારી અને ષડયંત્ર રચી ગુનો આચર્યો હોવાનું સામે આવ્યું છે.









