કાલાવડની ગણેશ ઓઇલ મિલના માલિક ને રૂ. 16 લાખનો ચૂનો ચોપડનારા બે શખ્સસોને એલસીબીની ટીમે પકડી પાડ્યા

- ચેક મારફતે નાણાં મોકલવાના બહાને 800 નંગ તેલના ડબ્બા મંગાવીને હાથ ખંખેરી લેતાં પોલીસ ફરિયાદ કરાઈ હતી
જામનગર, તા. 23
આ બનાવની વિગત એવી છે કે કાલાવડમાં આવેલી ગણેશ ઓઇલ મીલના સંચાલક ભાવેશભાઈ વિઠ્ઠલભાઈ પાનસુરીયા કે જેઓ સાથે તેલની ખરીદી માટે નડિયાદમાં નવા ગંજ બજાર કબ્રસ્તાન પાસે પેઢી ધરાવતા ઉત્તમભાઈ બારોટ અને જનક ભાઈ નામના બે સંચાલકો સાથે સૌપ્રથમ 200 નંગ તેલના ડબ્બાની ડીલીવરી કરી હતી, અને તે અંગેનો ચેક મોકલ્યા પછી તેલના ડબ્બા મોકલાવ્યા હતા. પરંતુ તે ચેક બેંકમાં નાખતાં નાણાંના અભાવે પાછો ફર્યો હતો.
જેથી ઓઈલ મીલર ભાવેશભાઈ દ્વારા નડિયાદની પેઢીના બન્ને સંચાલકો સાથે ચેક રિટર્ન અંગેની વાતચીત કરવામાં આવી હતી. દરમિયાન બંને શખ્સોએ ફરીથી બીજા 600 નંગ તેલના ડબ્બા મોકલવાનું જણાવી અડધા રૂપિયા આરટીજીએસ મારફતે, અને અડધી રકમ ચેક મારફતે મોકલાવશે તેમ જણાવી વધુ 600 ડબ્બા મેળવી લીધા હતા.
જેના માટે કુલ 16 લાખ 6 હજાર જેટલી રકમ પૈકી 8 લાખની રકમ આર.ટી.જી.એસ. કરવા માટે અને બાકીની રકમનો ચેક મોકલાવ્યો હતો. જે ચેક ફરીથી બેંકમાં નાખતાં નાણાના અભાવે પાછો ફર્યો હતો, તેમજ કોઈ પણ પ્રકારનું આરટીજીએસ આવ્યું ન હતું.
ત્યાર પછી બંને શખ્સોએ ફોન કરવાની પણ ના પાડી દીધી હતી. જેથી કાલાવડ ના ઓઈલમિલર ભાવેશભાઈએ તાત્કાલિક અસરથી કાલાવડના પોલીસ સ્ટેશનનો સંપર્ક સાધ્યો હતો, અને તેઓની ફરિયાદના આધારે બંને આરોપીઓ સામે કાલાવડ પોલીસ મથકમાં આઈ.પી.સી. કલમ 406,420 અને 114 મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.
જે પ્રકરણની તપાસમાં એલસીબીની ટીમે ઝુકાવ્યું હતું, અને ચીટીંગ કરનારા બન્ને શખ્સોની શોધખોળ હાથ ધરી હતી. દરમિયાન જામનગર નજીક હાપા માર્કેટિંગ યાર્ડ વિસ્તારમાં એક કારમાં આવેલા મહેસાણા જિલ્લાના જોટાણા ગામ ના ઉત્તમ રાજેન્દ્રભાઈ બારોટ તેમજ અમદાવાદના નિકોલ વિસ્તારના રહેવાસી જગત ઉર્ફે જનક જગદીશચંદ્ર ભટ્ટ બન્નેની અટકાયત કરી લીધી હતી, અને તેઓ પાસેથી એક કાર કબજે કરી હતી. જે બન્ને નો કબજો કાલાવડ પોલીસ મથકમાં સુપ્રત કરી દીધો છે, અને કાલાવડ પોલીસ સમગ્ર મામલે વધુ તપાસ ચલાવે છે.




