જામનગર નજીક દરેડમાંથી બે મહિના પહેલાં 14 વર્ષની સગીરાનું અપહરણ કરી જનાર મધ્યપ્રદેશમાંથી ઝડપાયો

- આરોપીના કબજામાંથી સગીરા પણ મળી આવી: મેડિકલ તપાસણીમાં તેણી સાથે દુષ્કર્મ થયાનું સામે આવ્યું*
જામનગર તા ૧૪, જામનગર નજીકના દરેડ વિસ્તારમાંથી આજથી બે મહિના પહેલા ૧૪ વર્ષની વયની એક સગીરાનું અપહરણ થઈ ગયું હતું, જેને ઉઠાવી જનાર મધ્યપ્રદેશના શખ્સને પકડવા માટે પંચકોશી બી. ડિવિઝનની પોલીસ ટુકડીએ તપાસનો દોર મધ્ય પ્રદેશ સુધી લંબાવ્યો હતો, અને ત્યાંથી આરોપીને પકડી પાડયો છે. જેના કબજામાંથી સગીરાને છોડાવીને જામનગર લઈ આવ્યા પછી મેડિકલ તપાસણી કરાવતાં તેણી સાથે દુષ્કર્મ થયું હોવાનું સામે આવ્યું હતું. જેથી આરોપી સામે દુષ્કર્મની કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.
આ બનાવની વિગત એવી છે કે જામનગર નજીક દરેડ વિસ્તારમાં રહેતી અને મૂળ બિહાર રાજ્યની વતની એવી ૧૪ વર્ષની સગીરા કે જેનું ગત ૧૬મી ડિસેમ્બરના દિવસે અપહરણ થઈ ગયું હતું, અને તેના પાડોશમાં રહેતો મૂળ મધ્ય પ્રદેશનો વતની પવનકુમાર દયાલ ઝાટવ (ઉ.વ. ૨૩) લગ્ન કરવાના ઇરાદાથી ઉઠાવી ગયો હોવાનું ધ્યાનમાં આવતાં તેની સામે તા ૩૦.૧૨.૨૦૨૨ ના દિવસે પંચકોશી બી. ડિવિઝન પોલીસ મથકમાં અપહરણ અંગેની ફરિયાદ નોંધાવાઈ હતી.
જે ફરિયાદના અનુસંધાને પોલીસે તપાસનો દોર મધ્યપ્રદેશ સુધી લંબાવ્યો હતો, અને ત્યાં ત્રિકમગઢ જિલ્લામાંથી અપહરણ કરી જનાર પવનકુમાર જાટવ નામના શખ્સને પોલીસે પકડી પાડ્યો હતો. તેના કબ્જામાં સગીરા પર મળી આવી હોવાથી પોલીસે સગીરાનો પણ કબજો મેળવી આરોપીની સાથે જામનગર લઈ આવ્યા હતા.
જે બન્નેની તબીબી ચકાસણી કરાવાઈ હતી, જેમાં સગીરા સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું હતું. આથી પોલીસે આરોપી પવન કુમાર સામે દુષ્કર્મ ગુજારવાના અંગેની કલમ ૩૭૬ નો ઉમેરો કર્યો હતો, અને કોવિડ ટેસ્ટ કરાવતાં તેનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હોવાથી અપહરણ અને દુષ્કર્મના ગુનામાં તેની ધરપકડ કરી લેવામાં આવી છે. જ્યારે સગીરાની મેડિકલ તપાસણી કરાવ્યા પછી તેણીને માતા પિતાના ઘેર મોકલી દેવામાં આવી છે.
આરોપી છેલ્લા સાત મહિનાથી સગીરાના સંપર્કમાં હતો, અને તેણી સાથે અગાઉ પણ દુષ્કર્મ ગુજાર્યું હોવાનું કબૂલી લીધું હતું. ત્યાર પછી લગ્ન કરવાના ઇરાદાથી વતનમાં ઉઠાવી ગયો હતો, અને ત્યાં પણ અનેક વખત દુષ્કર્મ ગુજાર્યું હોવાનું કબૂલ્યું હતું. પરંતુ પોલીસે છેક મધ્ય પ્રદેશ સુધી પીછો કરીને તેને પકડી પાડયો છે.




