Jamnagar

જામનગરમાં નવરાત્રી સંચાલક સામે જેસીઆર સિનેમાના સંચાલકની ફરિયાદ : યુટ્યુબ પર બદનામી, રૂ. 25 લાખની ખંડણી માંગ્યાનો આક્ષેપ

By GS Team
27 Jul 20262 mins read
TukuTouch Logo
જામનગરના ઠેબા ચોકડી પાસેના જેસીઆર સિનેમાના MD ઇલેશ ભદ્રાએ નવરાત્રી સંચાલક સંજય ચેતરીયા સામે સિટી એ. ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. 2023માં ગ્રાઉન્ડ ભાડે રાખ્યા બાદ ભાડું ન ચૂકવતા વિવાદ થયો હતો. આરોપીએ યુટ્યુબ પર બદનામી કરી, સ્ટાફને ધમકાવી, લીગલ નોટિસ પાછી ખેંચાવવા રૂ. 25 લાખની ખંડણી માંગી હોવાનો આક્ષેપ છે. પોલીસે તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

જામનગરમાં નવરાત્રી સંચાલક સામે જેસીઆર સિનેમાના સંચાલકની ફરિયાદ : યુટ્યુબ પર બદનામી, રૂ. 25 લાખની ખંડણી માંગ્યાનો આક્ષેપ

Jamnagar : જામનગરના ઠેબા ચોકડી પાસે આવેલા જેસીઆર સિનેમાના મેનેજિંગ ડિરેક્ટર ઇલેશભાઈ રમણીકભાઈ ભદ્રા (ભાનુશાળી)એ નવરાત્રી સંચાલક સંજય ચેતરીયા સામે ગંભીર આક્ષેપો સાથે પોલીસ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં આરોપ મૂકાયો છે કે નવરાત્રિના કાર્યક્રમ માટે ગ્રાઉન્ડ ભાડે લેવાના વ્યવહાર બાદ વિવાદ સર્જાતા આરોપીએ યુટ્યુબ ચેનલ પર વીડિયો મૂકી સિનેમા તથા સંચાલકની બદનામી કરી, ઓફિસે આવી સ્ટાફને ધમકાવ્યો અને લીગલ નોટિસ પાછી ખેંચાવવા દબાણ કરીને રૂપિયા 25 લાખની ખંડણીની માંગણી કરી હતી.
ફરિયાદ મુજબ વર્ષ 2023માં નવરાત્રિ દરમિયાન જેસીઆર સિનેમાના ગ્રાઉન્ડમાં ગરબાનું આયોજન કરવા માટે સંજય ચેતરીયાએ પોતાની ઇવેન્ટ કંપની મારફતે રૂ.7 લાખમાં ગ્રાઉન્ડ ભાડે રાખવાની વાત કરી હતી. જોકે આયોજન સંબંધિત જરૂરી દસ્તાવેજો કે કરારો રજૂ કર્યા નહોતા અને ભાડાની રકમ પણ ચૂકવવામાં આવી નહોતી. આ અંગે શંકા જતાં સંચાલકે તે સમયે પોલીસ અધિક્ષકને લેખિત રજૂઆત કરી હતી તેમજ બાદમાં વકીલ મારફતે રૂ. 7 લાખના ભાડા, રૂ.1 કરોડના નુકસાન અને વકીલાત ખર્ચની વસૂલાત માટે લીગલ નોટિસ પણ મોકલી હતી.
ફરિયાદમાં વધુમાં જણાવાયું છે કે નોટિસ બાદ આરોપી અનેક વખત અન્ય વ્યક્તિઓ સાથે જેસીઆર સિનેમાની ઓફિસે આવી સ્ટાફને ધમકાવતો હતો અને નોટિસ પાછી ખેંચાવવા દબાણ કરતો હતો. ઉપરાંત પોતાની યુટ્યુબ ન્યૂઝ ચેનલ 'સનાતન સત્ય' પર જેસીઆર સિનેમા અને ઇલેશ ભદ્રાના નામે વીડિયો અપલોડ કરીને ધંધાકીય રીતે નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કર્યો હતો.
ફરિયાદીનો આક્ષેપ છે કે આરોપીએ વધુ ઓડિયો-વિડિયો ક્લિપ બનાવી વાયરલ કરવાની ધમકી આપી રૂપિયા 25 લાખની રકમ ચૂકવવા દબાણ કર્યું હતું. સતત મળતી ધમકીઓ અને કથિત ખંડણીની માંગણીથી કંટાળીને અંતે તેમણે સીટી એ. ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
નવરાત્રીના સંચાલક સંજય ચેતરીયા સામે છેલ્લા 24 કલાક દરમિયાન શહેરના જુદા જુદા બે પોલીસ સ્ટેશનમાં અલગ અલગ બે પોલીસ ફરિયાદ નોંધાવાતાં ચકચાર જાગી છે.