જામનગરની એસ. કે. રેસ્ટોરન્ટમાં ભોજન લીધા બાદ 7 લોકોની તબિયત લથડી, ફૂડ વિભાગે સીલ માર્યું
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Jamnagar News: જામનગરના પાંચ હાટડી વિસ્તારમાં આવેલી 'એસ.કે. રેસ્ટોરન્ટ'માં નોન-વેજ ખોરાક લીધા બાદ આશરે સાત જેટલા લોકોની તબિયત લથડતાં ચકચાર મચી ગઈ છે. રેસ્ટોરન્ટમાં જમ્યા બાદ અસરગ્રસ્તોને કથિત ફૂડ પોઇઝનિંગની અસર થઈ હોવાની શંકા સેવાઈ રહી છે. તબિયત ખરાબ થતાં જ તમામ અસરગ્રસ્તોને સારવાર અર્થે શહેરની વિવિધ ખાનગી હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા છે.

ફૂડ વિભાગે દ્વારા રેસ્ટોરન્ટ સીલ કરાઈ
ઘટનાની જાણ થતાં જ જામનગર મહાનગરપાલિકાના ફૂડ વિભાગની ટીમે તાત્કાલિક સંબંધિત રેસ્ટોરન્ટમાં તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન રેસ્ટોરન્ટમાં અસ્વચ્છતા અને આરોગ્યપ્રદ પરિસ્થિતિઓના નિયમોનું ઉલ્લંઘન માલૂમ પડતાં ફૂડ વિભાગ દ્વારા ખાદ્ય સામગ્રીના નમૂના લેવામાં આવ્યા હતા. ત્યારબાદ નિયમોનુસાર રેસ્ટોરન્ટનો વેચાણ-વ્યવહાર સ્થગિત કરાવીને દુકાનને સીલ કરવામાં આવી છે.

આ અંગે મહાનગરપાલિકાના ફૂડ શાખાના અધિકારી નિલેશ જાસોલિયાએ જણાવ્યું હતું કે, ખાદ્ય સુરક્ષા અને સ્વચ્છતાના નિયમોના ભંગ બદલ સંબંધિત રેસ્ટોરન્ટ સામે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ એક્ટ હેઠળ આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.'

બીજી તરફ, હોસ્પિટલમાં સારવાર હેઠળ રહેલા તમામ સાતેય દર્દીઓની હાલત હાલ સ્થિર હોવાનું જાણવા મળ્યું છે. લેબોરેટરીમાંથી ખાદ્ય સામગ્રીના સેમ્પલનો રિપોર્ટ આવ્યા બાદ જ ફૂડ પોઇઝનિંગના ચોક્કસ કારણ અંગે વધુ સ્પષ્ટતા થઈ શકશે.




