જામનગરનો જીવાદોરી સમાન બ્રાસ ઉદ્યોગ સંકટમાં : વીજ તંત્રની ઘોર બેદરકારી સામે કારખાનેદારોનો આક્રોશ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Jamnagar : વિશ્વવિખ્યાત 'બ્રાસ સિટી' તરીકેની આગવી ઓળખ ધરાવતા જામનગર શહેરના જીવાદોરી સમાન બ્રાસ ઉદ્યોગને આજે નિંભર અને આળસુ વીજ તંત્રના પાપે ભારે આર્થિક મુશ્કેલીઓની ખાઈમાં પડવાનો વારો આવ્યો છે. જામનગરના દરેડ જીઆઇડીસી વિસ્તારમાં આવેલા શિવમ ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં છેલ્લા ઘણા સમયથી વીજ પુરવઠો વારંવાર ખોરવાઈ જવાની ગંભીર સમસ્યા સર્જાઈ રહી છે, જેના મુખ્ય કારણમાં શિવમ અને સિદ્ધનાથ ફીડરમાં લટકતા જીવલેણ તારો અને તંત્ર દ્વારા લોડ કેલિબ્રેશન ન કરવાની ગંભીર બેદરકારી સામેલ છે.
વર્ષો જૂના અને જર્જરિત થઈ ગયેલા આ તારોમાં વારંવાર ફોલ્ટ સર્જાતા હોવાથી તેને બદલવા માટે સ્થાનિક કારખાનેદારો દ્વારા અનેક વખત રજૂઆતો કરવામાં આવી હતી. આ રજૂઆતોના પગલે વીજ તંત્રના ઉચ્ચ અધિકારીઓએ ગત માર્ચ મહિના સુધીમાં તમામ ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં સુધારો કરી દેવાની બાહેંધરી આપી હતી, પરંતુ આજે જુલાઈ મહિનો આવી ગયો હોવા છતાં પરિસ્થિતિ જૈસે થે રહેતા કોઈ જ નક્કર કામગીરી પૂર્ણ કરવામાં આવી નથી. આખરે ધીરજ ખૂટી જતાં અને તંત્રની ઉદાસીનતાથી રોષે ભરાયેલા ઉદ્યોગકારોએ આજે લાલબંગલો સ્થિત પીજીવીસીએલની અધિક્ષક કચેરી ખાતે એક વિશાળ રેલી યોજીને પહોંચ્યા હતા.
આક્રોશિત કારખાનેદારોએ બહેરા અને મૂંગા બની ગયેલા તંત્રને ઢંઢોળવા અને જગાવવાના પ્રયાસરૂપે કચેરી પરિસરમાં ભારે નારા લગાવી પોતાનો સખત વિરોધ પ્રદર્શિત કર્યો હતો. વીજ તંત્રની આ અણઆવડત અને બેજવાબદારીના પરિણામે નાના અને મધ્યમ વર્ગના કારખાનેદારોને પડયા પર પાટુ જેવી સ્થિતિનો સામનો કરવો પડી રહ્યો છે. નિયમિત કામકાજના દિવસો દરમિયાન પાવર પુરવઠો ગાયબ રહેતા આખો ઉદ્યોગ ઠપ્પ થઈ જાય છે.
રજૂઆતમાં જણાવ્યા અનુસાર, મોટાભાગના ઉદ્યોગકારોએ બેન્કમાંથી જંગી લોન લઈને મશીનો વસાવ્યા હોય છે, ત્યારે વીજકાપના કારણે ઉત્પાદન ન થવાથી બેન્કના હપ્તા ભરવા સમયે ભારે નાણાંકીય ભીડ અને ગંભીર આર્થિક કટોકટી ઊભી થાય છે. બીજી તરફ, કારખાનામાં કામ કરતા કારીગરોને કામ વિના બેસાડી રાખીને પણ પગાર ચૂકવવો પડે છે, જેની સીધી અસર નાના કારખાનેદારોની કમર તોડી રહી છે. આર્થિક નુકસાની ઉપરાંત, આડેધડ લટકતા અને વારંવાર તૂટી પડતા વીજ વાયરોના કારણે જાહેર માર્ગો પરથી પસાર થતા લોકોના માથે સતત જીવનું જોખમ તોળાઈ રહ્યું છે. દાયકાઓનો સમય વીતી ગયો હોવા છતાં વીજ તંત્રની આ કથળેલી કાર્યપ્રણાલીમાં સહેજ પણ સુધારો જોવા મળ્યો નથી, ત્યારે હવે ઉદ્યોગકારો સત્વરે આ સમસ્યાના કાયમી નિરાકરણની માંગ કરી રહ્યા છે.









