Jamnagar

જામનગરના હાપા યાર્ડમાં ગઈકાલે એકજ દિવસમાં 25,000 ગુણી મગફળીની બમ્પર આવકથી બે દિવસ માટે નવી આવક બંધ

By GS Team
18 Nov 20262 mins read
TukuTouch Logo
જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડમાં લાભ પાંચમ બાદ મગફળીની વિક્રમી આવક નોંધાઈ છે. એક જ દિવસમાં 350 વાહનોમાં 25 હજારથી વધુ ગુણી મગફળી ઠલવાઈ. આને કારણે હાલ નવી આવક બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. 9 નંબરની મગફળીના ભાવ રૂ. 2,775 સુધી પહોંચ્યા છે, જે સિઝનનો સૌથી ઊંચો ભાવ છે. તમિલનાડુના વેપારીઓની ખરીદીથી ખેડૂતોને સારા ભાવ મળતાં ખુશી છવાઈ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

જામનગરના હાપા યાર્ડમાં ગઈકાલે એકજ દિવસમાં 25,000 ગુણી મગફળીની બમ્પર આવકથી બે દિવસ માટે નવી આવક બંધ

Jamnagar Hapa Marketing Yard : જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડમાં લાભ પાંચમ બાદ જણસીઓની આવક શરૂ થતાં ખેડૂતોનો ધસારો જોવા મળી રહ્યો છે. ખાસ કરીને મગફળીની વિક્રમી આવક નોંધાઈ રહી છે. એક જ દિવસમાં આશરે 350 વાહનો મારફતે ખેડૂતો 25 હજારથી વધુ ગુણી મગફળી લઈને યાર્ડમાં પહોંચ્યા હતા. મગફળીની મોટી આવકને પગલે હાલ નવી આવક બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. યાર્ડમાં ઉતારવામાં આવેલી મગફળીની હરાજી પૂર્ણ થયા બાદ જ નવી આવક શરૂ કરવામાં આવશે.
બીજી તરફ મગફળીના બજારમાં પણ તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે. ચાલુ સિઝનમાં 9 નંબરની મગફળીના ભાવ રૂ.2,775 સુધી પહોંચ્યા છે, જે આ સિઝનનો અત્યાર સુધીનો સૌથી ઊંચો ભાવ હોવાનું જાણવા મળ્યું છે. ખાસ કરીને તમિલનાડુના વેપારીઓ ખાદ્યતેલ માટે મગફળીની ખરીદી કરવા હાપા યાર્ડમાં આવી રહ્યા હોવાથી બજારમાં તેજી જોવા મળી રહી છે.
મગફળીની વિવિધ જાતોમાં 6 નંબરની મગફળીના ભાવ પણ રૂ. 2,400થી વધુ બોલાઈ રહ્યા છે. ઊંચા ભાવ મળતાં ખેડૂતોમાં સંતોષની લાગણી જોવા મળી રહી છે. ઓછા વરસાદ અને ઉત્પાદનના ઘટાડાની સ્થિતિ વચ્ચે મગફળીના સારા ભાવ મળવાથી ખેડૂતોને આર્થિક રાહત મળી રહી છે.
આ અંગે હાપા માર્કેટિંગ યાર્ડના સેક્રેટરી હિતેશભાઈ પટેલે વિગતો આપતાં જણાવ્યું હતું કે, મગફળીની ભારે આવકને ધ્યાનમાં રાખીને હાલ નવી આવક અટકાવવામાં આવી છે. યાર્ડમાં ઉતારવામાં આવેલી મગફળીની હરાજી પૂર્ણ થયા બાદ જ નવી આવક શરૂ કરવામાં આવશે.
આમ, હાપા માર્કેટિંગ યાર્ડમાં એક તરફ મગફળીની વિક્રમી આવક અને બીજી તરફ ભાવમાં તેજી જોવા મળતાં કૃષિ બજારમાં ઉત્સાહનો માહોલ છવાયો છે.