Jamnagar

જામનગર એલસીબીની કાર્યવાહી : ડુપ્લીકેટ ઇંગ્લીશ દારૂના ગુનામાં નાસતા ફરતા બે આરોપીઓ રાજસ્થાન અને હરિયાણામાંથી ઝડપાયા

By GS Team
25 Sep 20262 mins read
TukuTouch Logo
જામનગર LCB એ 2025ના ડુપ્લીકેટ દારૂ કેસમાં ફરાર 2 મુખ્ય આરોપીઓને ઝડપી પાડ્યા છે. પોલીસે હરિયાણાથી રોહતાસ સાગવાન અને રાજસ્થાનથી કિશનસિંહ શેખાવતને દબોચી લીધા છે. બંને આરોપીઓ નકલી વિદેશી દારૂ બનાવવાની ફેક્ટરીઓ ચલાવતા હતા. પોલીસે આ ગુનાઓમાં કુલ 15.51 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

Summarized by AI; it may make mistakes. Check important info

જામનગર એલસીબીની કાર્યવાહી : ડુપ્લીકેટ ઇંગ્લીશ દારૂના ગુનામાં નાસતા ફરતા બે આરોપીઓ રાજસ્થાન અને હરિયાણામાંથી ઝડપાયા

Jamnagar Duplicate Liquor Case : રાજકોટ વિભાગના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય તથા જામનગર જિલ્લા પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈનીની સૂચના અને માર્ગદર્શન હેઠળ જામનગર એલસીબી દ્વારા નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. એલસીબી પીઆઇ વી.બી. ચૌધરીના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એમ.વી. ભાટિયા તથા સ્ટાફે માનવબળ અને ટેકનિકલ સેલની મદદથી તપાસ હાથ ધરી ડુપ્લીકેટ ઇંગ્લીશ દારૂના ગુનામાં ફરાર બે આરોપીઓને હરિયાણા અને રાજસ્થાનમાંથી ઝડપી પાડ્યા છે.
વર્ષ 2025માં કનસુમરા ગામ નજીક સાઢીયાપુલ પાસે આવેલા આર્ય એસ્ટેટમાં ખોડલ કોલ ટ્રેડર્સના ગોડાઉનમાં ડુપ્લીકેટ ઇંગ્લીશ દારૂ બનાવવાની ફેક્ટરી પર દરોડો પાડવામાં આવ્યો હતો. આ કાર્યવાહી દરમિયાન અરૂણ ઉર્ફે કાલી સીતારામ સોની, જયપાલસિંહ વિક્રમસિંહ જાડેજા અને મહિપાલસિંહ આશિષસિંહ રાણાને ઝડપી લેવામાં આવ્યા હતા. સ્થળ પરથી 800 લીટર આલ્કોહોલ સ્પિરિટ, ભેળસેળયુક્ત દારૂ બનાવવાના કેમિકલ પદાર્થો, આલ્કોહોલ માપવાનું મીટર, દારૂની બ્રાન્ડના સ્ટીકરો, ઢાંકણાં તથા પ્લાસ્ટિકની સ્ટીકરોની પટ્ટીઓ સહિત કુલ રૂ.8.23 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. આ ગુનામાં મુખ્ય આરોપી કિશનસિંહ જગમાલસિંહ શેખાવત ફરાર હતો.
તેવી જ રીતે વર્ષ 2025માં જામનગર તાલુકાના નેવીમોડા ગામે હરદીપસિંહ ઉર્ફે લાલો સુખુભા જાડેજાની વાડીમાં ડુપ્લીકેટ ઇંગ્લીશ દારૂ બનાવવાના ગુનામાં પોલીસે કાર્યવાહી કરી હતી. સ્થળ પરથી ડુપ્લીકેટ દારૂ, કેમિકલ પદાર્થો, કલર, ઢાંકણાં, પ્લાસ્ટિકના પાઉચ, દારૂના સ્ટીકરો તથા આલ્કોહોલ માપવાનું મીટર સહિત રૂ.7.28 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. આ ગુનામાં મુખ્ય આરોપી રોહતાસ ઉમદસિંહ સાગવાન ફરાર હતો.
બંને ગુનામાં ફરાર આરોપીઓની શોધખોળ દરમિયાન જામનગર સિટી ‘બી’ ડિવિઝન પોલીસની ટીમે મળેલી બાતમી અને ટેકનિકલ માહિતીના આધારે કાર્યવાહી કરી હતી. પોલીસે હરિયાણા તથા રાજસ્થાનમાં તપાસ હાથ ધરી બંને ફરાર આરોપીઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ઝડપાયેલા આરોપીઓમાં રોહતાસ ઉમદસિંહ સાગવાન (રહે. ભારીવાસ ગામ, જિલ્લા ભિવાની, હરિયાણા) તથા કિશનસિંહ જગમાલસિંહ શેખાવત (રહે. હાથીદેહ ગામ, તા. શ્રીમાધોપુર, જિલ્લા સીકર, રાજસ્થાન)નો સમાવેશ થાય છે. રોહતાસ સાગવાન વિરુદ્ધ જામનગર સિટી ‘બી’ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ તથા બી.એન.એસ.ની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધાયેલો છે. જ્યારે કિશનસિંહ શેખાવત વિરુદ્ધ પણ જામનગર સિટી ‘બી’ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ તથા બી.એન.એસ.ની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધાયેલો છે.