Gujarat

જામનગર જિલ્લામાં ફરીથી કોરોનાનો હાઉ ઘટ્યો: માત્ર 10 પોઝિટિવ કેસ નોંધાયા: મૃત્યુના મામલે પણ રાહત

By GS Team
15 Feb 20222 mins read
This article was originally published on 15 Feb 2022
જામનગર જિલ્લામાં ફરીથી કોરોનાનો હાઉ ઘટ્યો: માત્ર 10 પોઝિટિવ કેસ નોંધાયા: મૃત્યુના મામલે પણ રાહત

- મ્યુકોર્માઇકોસિસની બીમારી ના વધુ બે દર્દીઓ સામે આવ્યા: સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં દાખલ કરાયા

જામનગર તા ૧૫, જામનગર શહેર અને જિલ્લામાં ગઈકાલે ફરીથી કોરોના કેસ માં ઘટાડો નોંધાયો છે, અને જામનગર શહેરમાં ૦૯ તેમજ ગ્રામ્ય વિસ્તારના ૦૧ સહિત માત્ર ૧૦ પોઝિટિવ કેસ નોંધાયા છે. ઉપરાંત મૃત્યુના મામલે પણ રાહત જોવા મળી છે, અને છેલ્લા ૨૪ કલાક દરમિયાન એક પણ દર્દીનું મૃત્યુ થયું નથી, જેથી રાહતના સમાચાર છે. મ્યુકોર્માઇકોસિસની બીમારીના વધુ બે કેસ ફરીથી સામે આવ્યા છે, અને બે દર્દીઓને જામનગરની જી.જી.હોસ્પિટલમાં દાખલ કરાયા છે.

જામનગર શહેર અને જિલ્લામાં શનિ-રવિ દરમિયાન કોરોના ના કેસ માં નજીવો ઉછાળો થયા પછી ગઈકાલે જામનગર શહેરના માત્ર ૦૯ કેસ નોંધાયા હતા, જયારે ૩૨ દર્દીઓને કોરોના મુક્ત જાહેર કરવામાં આવ્યા હતા. ઉપરાંત જામનગર ગ્રામ્ય વિસ્તારમાં માત્ર ૦૧ પોઝિટિવ કેસ નોંધાયો હતો, જ્યારે ૦૭ દર્દીઓને કોરોના મુક્ત જાહેર કરવામાં આવ્યા છે. સમગ્ર જિલ્લાના કુલ ૧૦ પોઝિટિવ કેસ નોંધાયા છે, જેની સામે ૩૯ દર્દીઓને કોરોના મુક્ત જાહેર કરવામાં આવ્યા છે.

જામનગર શહેર અને જિલ્લામાં મૃત્યુના મામલે છેલ્લા ૩૦ કલાકથી રાહતના સમાચાર છે, અને સમગ્ર જિલ્લામાં એક પણ દર્દીનું મૃત્યુ થયું હોય તેવા અહેવાલો મળ્યા નથી.

જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલ ના કોવિડ વિભાગમાં હાલ કોરોનાના માત્ર ૧૨ દર્દીઓ દાખલ છે, જેમાં ૧૧ દર્દીઓ ના કોરોના પોઝિટિવ રિપોર્ટ મળ્યા છે, જ્યારે ૦૧ દર્દીને કોરોનાના શંકાસ્પદ દર્દી તરીકે ગણીને સારવાર અપાઈ રહી છે. જે પૈકી બે દર્દીઓને વેન્ટીલેટર મારફતે સારવાર અપાઇ રહી છે.

મ્યુકોર્માઇકોસિસ ની બીમારી ના અંતિમ દર્દીને જી.જી.હોસ્પિટલમાં રજા આપી દેવાયા પછી ફરીથી નવા બે કેસ સામે આવ્યા છે, અને એક મહિલા દર્દી તથા એક પુરુષ દર્દી કે જે બન્ને ને મ્યુકરની બીમારીના કારણે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલના ઇ.એન્ડ.ટી. વિભાગમાં દાખલ કરવામાં આવ્યા છે, અને તેઓની સર્જરી કરવામાં આવી રહી છે.