જામનગરના કોર્ડીંનેટર સાથે ઓનલાઈન છેતરપિંડી : ‘એમ-પરિવહન’ની બનાવટી એપ ડાઉનલોડ કરાવ્યા બાદ રૂ.9.85 લાખ ઉપાડી લીધા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Jamnagar Cyber Fraud : જામનગરના સમર્પણ સર્કલ નજીક રહેતા અને સી.આર.સી. કોર્ડીંનેટર તરીકે નોકરી કરતા મહેશકુમાર મુરૂભાઈ ખવા (ઉ.વ.44) સાથે ઓનલાઈન છેતરપિંડીનો બનાવ બન્યો છે. અજાણ્યા મોબાઈલ નંબર પરથી વોટ્સએપમાં ‘એમ.પરિવહન એ.પી.કે.’ ફાઈલ મોકલી તેને ડાઉનલોડ કરાવ્યા બાદ તેમના બેંક ખાતામાંથી અલગ-અલગ 16 વ્યવહારો મારફતે કુલ રૂ.9,85,550 ઉપાડી લેવામાં આવ્યા હતા.
ફરિયાદ મુજબ, ગત તા.7 જૂન, 2021ના રોજ સાંજે 7:34 વાગ્યે મહેશકુમારના મોબાઈલ પર ‘એમ.પરિવહન એ.પી.કે.’ ફાઈલ સાથેનો સંદેશ આવ્યો હતો. સંદેશ ખોલતાં ચલણ ભરવા માટેની એપ્લિકેશન ખુલેલી જણાઈ હતી, પરંતુ ચલણ ભરવાનો વિકલ્પ ન મળતાં તેમણે તે સમયે ખાસ ધ્યાન આપ્યું ન હતું.
દરમિયાન તા.1 સપ્ટેમ્બર, 2026ના રોજ સાંજે 4:42 વાગ્યાથી તેમના બેંક ઓફ બરોડાના ખાતામાંથી અલગ-અલગ રકમ ટ્રાન્સફર થવાના સંદેશા આવવા લાગ્યા હતા. મોબાઈલ નંબર બેંક ખાતા સાથે જોડાયેલો હોવાથી ખાતામાંથી કુલ રૂ.9,85,550 ઉપડી ગયાનું જાણવા મળતાં મહેશકુમારને પોતાની સાથે સાયબર છેતરપિંડી થયાની જાણ થઈ હતી.
આ અંગે તેમણે સાયબર ક્રાઈમ હેલ્પલાઈન 1930 પર ફોન કરી પ્રથમ અરજી કરી હતી. ત્યારબાદ ફરીથી ખાતામાંથી રકમ ટ્રાન્સફર થવાના સંદેશા આવતાં બીજી અરજી પણ કરવામાં આવી હતી.
ખાતામાંથી 1 સપ્ટેમ્બરના રોજ થયેલા 16 વ્યવહારોમાં રૂ.99,000, રૂ.45,664, રૂ.52,778, રૂ.43,927, રૂ.99,999, રૂ.99,999, રૂ.3,295, રૂ.39,897.59, રૂ.25,520, રૂ.33,361, રૂ.54,000, રૂ.40,907, રૂ.93,173, રૂ.89,208, રૂ.82,836 અને રૂ.81,986ની રકમ ટ્રાન્સફર થઈ હતી.
આ બનાવ અંગે પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. વોટ્સએપ પર આવેલી ‘એ.પી.કે.’ ફાઈલ મારફતે મોબાઈલ તથા બેંક ખાતાની માહિતી મેળવી રકમ ઉપાડનાર શખ્સ સુધી પહોંચવા તપાસ હાથ ધરાઈ છે.




