જામનગરના આજે શ્રાવણ શુદ સાતમના દીને 489મા સ્થાપના દિવસની ઉજવણી : ખાંભી પૂજન, રાજવીઓની પ્રતિમાઓને પુષ્પાંજલિ અર્પિત કરાઈ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Jamnagar News : જામનગર (નવાનગર)ના આજે 489મા સ્થાપના દિવસ નિમિતે જામનગર મહાનગરપાલિકા દ્વારા ખાંભી પૂજન, માજી રાજવીની પ્રતિમાઓને પુષ્પાંજલી સહીતના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.
સ્થાપના દિવસની ઉજવણીના ભાગરૂપે આજ રોજ સવારે 9 વાગ્યે દરબારગઢ સર્કલ પાસે દિલાવર સાયકલ સ્ટોર્સ ખાતે જામનગર શહેરની સ્થાપનાની ખાંભીનું પૂજન મેયર મોનિકાબેન વ્યાસના વરદ હસ્તે કરવામાં આવ્યુ હતું. આ વેળાએ તેઓની સાથે જામનગર શહેરના ધારાસભ્ય દિવ્યેશ અકબરી, જામનગરના જિલ્લા કલેકટર પી.બી પંડ્યા, મ્યુનિ.કમિશનર દીપેશ કેડીયા, જામનગર શહેર ભાજપના પ્રમુખ બીનાબેન કોઠારી, ડેપ્યુટી મેયર રાકેશ ડેર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ધીરેન મોનાણી, શાસક જૂથના નેતા અમર મોદી, દંડક પ્રવિણાબેન રુપડીયા ઉપરાંત જામનગર મહાનગરપાલિકાના અન્ય અધિકારીઓ અને કોર્પોરેટરો સહિતના મહાનુભાવો ભહોળી સંખ્યામાં જોડાયા હતા, અને ખાંભી પૂજન કર્યું હતું
ત્યારબાદ શહેરમાં આવેલી રાજવીઓની જુદી-જુદી પ્રતિમાઓને પુષ્પહાર અર્પણ કરવામાં આવ્યા હતા. જેમાં પણ સર્વે મહાનુભાવો જોડાયા હતા.
જામનગર શહેર-જિલ્લા રાજપૂત યુવા સંઘ દ્વારા શહેરના સ્થાપના દિને ખાંભી પૂજન કરાયું
જામનગર શહેરના સ્થાપના દિન નિમિત્તે શહેર-જિલ્લા રાજપૂત યુવા સંઘ દ્વારા પરંપરાગત રીતે ખાંભી પૂજન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં રાજપૂત સમાજના અગ્રણીઓ અને યુવા સંઘના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
પૂર્વ મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા) સહિત રાજપૂત સમાજના અગ્રણીઓની ઉપસ્થિતિમાં ખાંભી પૂજન કરી જામનગરના સ્થાપના દિનની પરંપરાગત ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે જામનગર શહેરની સ્થાપના સાથે જોડાયેલા ઐતિહાસિક વારસાને યાદ કરી સમાજના આગેવાનો દ્વારા પરંપરા અને સંસ્કૃતિને જાળવી રાખવાનો સંદેશ આપવામાં આવ્યો હતો.
રાજપૂત યુવા સંઘ દ્વારા સ્થાપના દિન નિમિત્તે આયોજિત આ કાર્યક્રમમાં ઉપસ્થિત સૌનું હાર્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું.









