જોડીયાને એસ.ટી તંત્ર દ્વારા કરાતો અન્યાય: લોકડાઉનથી બંધ કરાયેલા અનેક રૂટ હજુ બંધ

- 37 ગામોના સમુહ ધરાવતા જોડીયાને થતો અન્યાય દૂર કરી બંધ રૂટ ફરી શરૂ કરવા ગ્રામ પંચાયતના સરપંચની રજૂઆત
જામનગર, તા. 06
જામનગર જિલ્લાના જોડિયાને એસ.ટી.તંત્ર દ્વારા સતત અન્યાય કરવામાં આવી રહ્યો છે, અને 37 ગામોના સમુહના જોડીયામાં લોકડાઉન સમયે બંધ કરાયેલા એસ.ટી.રૂટ પૈકીના કેટલાક રૂટ લાંબા સમયથી બંધ છે, અને શરૂ કરાયા નથી. જેથી અનેક મુસાફરો પરેશાની ભોગવે છે. જે મામલે જોડીયા ગ્રામ પંચાયતના મહિલા સરપંચ દ્વારા એસટી તંત્રને પત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી છે.
જામનગર જીલ્લાનું જોડિયા તાલુકા મથક કે જે આસપાસના 37 ગામનો સમૂહ છે, અને જોડીયા તેનું મુખ્ય મથક છે, અને એસ.ટી તંત્ર દ્વારા અગાઉ ૩૯ જેટલા જુદા જુદા રૂટો પર એસ.ટી. બસો દોડાવવામાં આવતી હતી.
જેમાં જોડીયા થી જામનગર તરફ 15, મોરબી તરફ 15, અને જોડિયાથી ધ્રોલ- રાજકોટ તરફ 19 જેટલી એસ.ટી. બસો દોડાવવામાં આવતી હતી, પરંતુ લોકડાઉન સમયથી એસ.ટી.ના કેટલાક રૂટો બંધ કરી દેવાયા હતા.
જેને આજે બે વર્ષ જેટલો લાંબો સમયગાળો થઇ ગયો હોવા છતાં પણ જોડીયાથી જામનગર તરફ, તેમજ જોડિયા થી રાજકોટ અને મોરબી તરફના અનેક રુટો બંધ પડેલા છે, અને જોડિયા પંથકની પ્રજાને નાછૂટકે ખાનગી વાહનોનો સહારો લેવો પડે છે, અને મોંઘાદાટ ભાડા ખર્ચીને અવરજવર કરવી પડે છે.
ઉપરાંત જોડિયા થી રાજકોટ અને જામનગર તેમજ મોરબી તરફ નોકરી કરવા જતા કર્મચારીઓને પણ અવરજવર માટે મુશ્કેલી પડે છે, અને તેઓના નોકરી પર જવા તેમ જ આવવાના સમય માટેના એસટી રૂટ બંધ છે. જેથી ફરીથી શરૂ કરવામાં આવે તે માટે જોડિયા ગ્રામપંચાયતના મહિલા સભ્ય રૂકઈયાબેન બાવલાભાઈ નોતિયારે એસ.ટી તંત્રને પત્ર પાઠવી રજૂઆત કરી છે.




