Jamnagar

માત્ર છેલ્લા 24 કલાકમાં મેઘરાજાએ જામનગર જિલ્લાનું ચિત્ર બદલી નાખ્યું : રાત્રિના બે કલાકમાં જ ચાર ઇંચ મેઘમહેરથી અનેક વિસ્તારો જળમગ્ન

By GS Team
15 Sep 20263 mins read
TukuTouch Logo
જામનગર જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે. જામનગર શહેરમાં 142 મિમી (સાડા પાંચ ઇંચથી વધુ) વરસાદ નોંધાયો, જેનાથી અનેક વિસ્તારો જળમગ્ન થયા. તાલુકાઓમાં પણ સારો વરસાદ પડ્યો, જેમાં મોટી બાણુંગરમાં 95 મિમી સૌથી વધુ છે. આ વરસાદ ખેડૂતો માટે 'કાચું સોનું' સાબિત થયો છે, પાકને જીવતદાન મળતા ખુશી છવાઈ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

માત્ર છેલ્લા 24 કલાકમાં મેઘરાજાએ જામનગર જિલ્લાનું ચિત્ર બદલી નાખ્યું : રાત્રિના બે કલાકમાં જ ચાર ઇંચ મેઘમહેરથી અનેક વિસ્તારો જળમગ્ન

Jamnagar Rain Update : જામનગર જિલ્લામાં છેલ્લા 24 કલાક દરમિયાન મેઘરાજાએ જાણે સમગ્ર ચિત્ર જ બદલી નાખ્યું હોય તેવી જોરદાર મેઘમહેર વરસાવી છે. ખાસ કરીને જામનગર શહેરમાં મેઘરાજાએ સટાસટી બોલાવતાં ધોધમાર વરસાદ પડ્યો હતો. આજે સવારે આઠ વાગ્યે પૂર્ણ થતા છેલ્લા 24 કલાક દરમિયાન જામનગર શહેરમાં કુલ 142 મિમી એટલે કે સાડા પાંચ ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. જ્યારે મોસમનો કુલ વરસાદ 313 મિમી થયો છે.
જામનગર શહેરમાં ગત રાત્રિના અગિયાર વાગ્યાના અરસાથી વરસાદ શરૂ થયો હતો. મધરાત બાદ વરસાદે જોર પકડ્યું હતું અને ખાસ કરીને રાત્રિના બે વાગ્યાથી ચાર વાગ્યા સુધીના માત્ર બે કલાકના સમયગાળામાં અંદાજે ચાર ઇંચ જેટલો ધોધમાર વરસાદ વરસી જતાં શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયાં હતાં. અનેક માર્ગો તથા નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ફરી વળતાં સમગ્ર શહેર જાણે જળમગ્ન બન્યું હોય તેવા દૃશ્યો સર્જાયા હતા.
જામનગર શહેરમાં આજે સવારે પણ વરસાદી માહોલ યથાવત રહ્યો હતો. સવારે આઠથી દસ વાગ્યા સુધીના બે કલાકમાં વધુ 7 મિમી વરસાદ નોંધાયો હતો.
તાલુકાઓમાં પણ મેઘરાજાની મહેર
જિલ્લાના તાલુકા મથકો ઉપરાંત ગ્રામ્ય વિસ્તારોમાં પણ સારો વરસાદ નોંધાયો છે. આજે સવારે આઠ વાગ્યા સુધીના આંકડા મુજબ જોડિયામાં 70 મિમી, ધ્રોલમાં 58 મિમી, કાલાવડમાં 17 મિમી, લાલપુરમાં 34 મિમી અને જામજોધપુરમાં 63 મિમી વરસાદ નોંધાયો છે.
જામનગર તાલુકાના વસઈમાં 62 મિમી, લાખાબાવળમાં 55, નાની બાણુંગરમાં 95, હડિયાણામાં 50, જામવાડીમાં 60, મોટી ભલસાણમાં 45, અલિયાબાડામાં 35 અને દરેડમાં 59 મિમી વરસાદ નોંધાયો છે.
જોડિયા તાલુકામાં હડિયાણામાં 30 મિમી, બાલંભામાં 50 અને પીઠડમાં 40 મિમી વરસાદ નોંધાયો છે.
ધ્રોલ તાલુકામાં લતીપુરમાં 43 મિમી, જાળિયાદેવાણીમાં 15 અને ધ્રાંગડામાં 22 મિમી વરસાદ થયો છે.
કાલાવડ તાલુકામાં નિકાવામાં 10 મિમી, ખરેડીમાં 10, મોટા વડાળામાં 15, ભલસાણ બેરાજામાં 30, નવાગામમાં 20 અને મોટાપાંચદેવડામાં 26 મિમી વરસાદ નોંધાયો છે.
જામજોધપુર તાલુકામાં સમાણામાં 45 મિમી, શેઠ વડાળામાં 35, જામવાડીમાં 47, વાંસજાળિયામાં 38, ધૂનડામાં 48, ધ્રાફામાં 40 અને પરડવામાં 52 મિમી વરસાદ નોંધાયો છે.
લાલપુર તાલુકામાં પીપરટોડામાં 9 મિમી, પડાણામાં 11, ભણગોરમાં 22, મોટા ખડબામાં 7, મોડપરમાં 8 અને હરીપરમાં 25 મિમી વરસાદ નોંધાયો છે.
મોટી બાણુંગારમાં સૌથી વધુ 95 મિમી
છેલ્લા 24 કલાક દરમિયાન તાલુકાના વિવિધ ગામોમાં નોંધાયેલા વરસાદમાં સૌથી વધુ મોટી બાણુંગારમાં 95 મિમી વરસાદ નોંધાયો છે. ત્યારબાદ જામવાવડીમાં 60 મિમી, વસઈમાં 62 મિમી અને દરેડમાં 59 મિમી વરસાદ નોંધાયો છે. જામજોધપુર તાલુકાના પરડવામાં પણ 52 મિમી વરસાદ થયો છે.
ખેડૂતો માટે આકાશમાંથી વરસ્યું કાચું સોનું
છેલ્લા ઘણા દિવસોથી મેઘરાજાની રાહ જોઈને બેઠેલા ખેડૂતો માટે આ વરસાદ જાણે આકાશમાંથી વરસેલું કાચું સોનું સાબિત થયો છે. ચોમાસું ખેંચાઈ જતાં અનેક વિસ્તારોમાં ખેતરોમાં ઉભા પાકને પાણીની જરૂરિયાત ઊભી થઈ હતી. આવા સમયે છેલ્લા 24 કલાક દરમિયાન જિલ્લામાં પડેલા વરસાદથી ધરતીપુત્રોમાં ખુશીની લહેર ફરી વળી છે.
ખેતરોમાં ઉભા પાકને જરૂરી ભેજ અને પાણી મળતાં પાક બચવાની આશા વધુ મજબૂત બની છે. ખેડૂતો માટે આ વરસાદ માત્ર પાણી નહીં પરંતુ જીવનદાન સમાન બની રહ્યો છે. લાંબા સમયથી મેઘરાજાની રાહ જોતા ખેડૂતોના ચહેરા પર હવે રાહત અને ખુશી જોવા મળી રહી છે.
કુદરતે માત્ર 24 કલાકમાં જામનગર શહેર અને સમગ્ર જિલ્લાના વાતાવરણનું ચિત્ર બદલી નાખ્યું છે. એક તરફ શહેરમાં ધોધમાર વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે તો બીજી તરફ ગ્રામ્ય વિસ્તારોમાં વરસેલા વરસાદે ખેતી માટે નવી આશા જગાવી છે.
ભેજ 100 ટકા, તાપમાનમાં પણ ઘટાડો
જામનગરના હવામાનમાં પણ વરસાદની અસર સ્પષ્ટ જોવા મળી છે. આજે લઘુત્તમ તાપમાન 24.5 ડિગ્રી સેલ્સિયસ અને મહત્તમ તાપમાન 29.4 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે. હવામાં ભેજનું પ્રમાણ 100 ટકા રહ્યું હતું, જ્યારે પવનની ગતિ 8.6 કિમી પ્રતિ કલાક નોંધાઈ છે.
આમ, મેઘરાજાની જોરદાર એન્ટ્રીથી જામનગર શહેર અને જિલ્લામાં વાતાવરણમાં ઠંડક પ્રસરી છે અને લાંબા સમયથી વરસાદની રાહ જોઈ રહેલા ખેડૂતોને મોટી રાહત મળી છે.