Jamnagar

જામનગરમાં પુત્રીએ જ માતાને ઘર અને દુકાનમાંથી કાઢી મૂકી, કબજો કરી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાનો આક્ષેપ

By GS Team
12 Jul 20262 mins read
TukuTouch Logo
જામનગરની ડિફેન્સ કોલોનીમાં વૃદ્ધાએ દીકરી નુરજહા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. 2017માં પતિના અવસાન બાદ, દીકરીએ માતાને લખનૌ બોલાવી પોતે જામનગર આવી ઘર અને દુકાન પર કબ્જો કર્યો. 15 જૂન, 2026ના રોજ માતાને ગાળો ભાંડી, માર મારી, જાનથી મારી નાખવાની ધમકી આપી ઘરમાંથી કાઢી મૂકી. પોલીસે દીકરી વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

જામનગરમાં પુત્રીએ જ માતાને ઘર અને દુકાનમાંથી કાઢી મૂકી, કબજો કરી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાનો આક્ષેપ

Jamnagar: જામનગર શહેરના ડીફેન્સ કોલોની વિસ્તારમાં રહેતી અને પોતાના ઘરે પીંકી જનરલ સ્ટોર નામની દુકાન ચલાવતી એક વૃદ્ધ મહિલાએ પોતાની જ દીકરી સામે મારપીટ, ગાળાગાળી, જાનથી મારી નાખવાની ધમકી આપી ઘર તથા દુકાન પર બળજબરીથી કબજો કરી લેવાના આક્ષેપ સાથે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદ મુજબ મહિલાના પતિનું વર્ષ 2017માં હાર્ટ એટેકથી અવસાન થયું હતું. તેમના ચાર દીકરા અને એક દીકરી છે. દીકરી નુરજહાના લગ્ન વર્ષ 2004માં ઉત્તર પ્રદેશમાં થયા હતા અને તે છેલ્લા કેટલાક વર્ષોથી લખનૌમાં રહેતી હતી. આશરે બે મહિના પહેલાં દીકરીએ પોતાની દીકરીની તબિયત ખરાબ હોવાનું કહી માતાને લખનૌ બોલાવ્યા હતા. ત્યારબાદ દીકરી માતાને જાણ કર્યા વિના જામનગર આવી ગઈ હતી. બાદમાં ફરિયાદી મહિલા પોતાના દોહિત્ર અને દોહિત્રી સાથે જામનગર પરત ફર્યા ત્યારે દીકરી પહેલેથી જ ઘરમાં હાજર હતી.


ફરિયાદ અનુસાર તા. 15 જૂન, 2026ના રોજ દીકરીએ માતાને જણાવ્યું કે હવે ઘર અને જનરલ સ્ટોરની દુકાન તેની માલિકીની છે અને માતાનો તેમાં કોઈ હક્ક નથી. આ મુદ્દે બોલાચાલી થતાં દીકરીએ ગાળાગાળી કરી ઢીકાપાટુનો માર માર્યો હતો. ઉપરાંત ફરીથી ઘર કે દુકાનમાં પ્રવેશ કરશે તો જાનથી મારી નાખવાની ધમકી આપી માતાને ઘરની બહાર કાઢી મૂકી ઘર તથા દુકાન પર બળજબરીથી કબજો કરી લીધો હોવાનો આક્ષેપ ફરિયાદમાં કરવામાં આવ્યો છે.


આ ફરિયાદના આધારે પોલીસે દીકરી નુરજહા સામે મારપીટ, ધમકી, ગાળાગાળી તેમજ બળજબરીથી મિલકત પર કબજો કર્યાના આક્ષેપોને લઈને ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.