Jamnagar

જામનગર જિલ્લામાં વરસાદ ખેંચાતાં પાક નિષ્ફળ જતા કાલાવડના ખેડૂતે ઝેરી દવા પી લઈ આત્મહત્યા કરી લેતા ભારે ચકચાર

By GS Team
4 Aug 20261 min read
TukuTouch Logo
જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના સતિયા ગામમાં વરસાદના અભાવે પાક નિષ્ફળ જતાં 65 વર્ષીય ખેડૂત ગાંગજીભાઈ બેચરભાઈ ચૌહાણે પોતાની વાડીમાં ઝેરી દવા પી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. તેમને જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડાયા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. કાલાવડ ગ્રામ્ય પોલીસે અકસ્માત મોતની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

જામનગર જિલ્લામાં વરસાદ ખેંચાતાં પાક નિષ્ફળ જતા કાલાવડના ખેડૂતે ઝેરી દવા પી લઈ આત્મહત્યા કરી લેતા ભારે ચકચાર

Jamnagar News : જામનગર જિલ્લામાં વરસાદના અભાવે પાક નિષ્ફળ જતા કાલાવડ તાલુકાના સતિયા ગામના એક ખેડૂતે ઝેરી દવા પી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. સારવાર દરમિયાન જામનગરની જી.જી. હોસ્પિટલમાં તેમનું મોત નીપજતાં કાલાવડ ગ્રામ્ય પોલીસે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા, 2023ની કલમ 194 હેઠળ અકસ્માત મોતની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.
પોલીસમાં નોંધાયેલી વિગતો મુજબ, સતિયા ગામના ગાંગજીભાઈ બેચરભાઈ ચૌહાણ (ઉ.વ. 65) એ પોતાની ખેતીનો પાક નિષ્ફળ જતાં ચિંતામાં આવી તા.10 જુલાઈના રોજ પોતાની વાડીમાં ઝેરી દવા પી લીધી હતી. તેમને તાત્કાલિક સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું.
આ બનાવ અંગે મૃતકના પુત્ર નરેશભાઈ ગાંગજીભાઈ ચૌહાણે પોલીસને જાણ કરતાં કાલાવડ ગ્રામ્ય પોલીસે મોતની નોંધ કરી આગળની તપાસ હાથ ધરી છે. મૃતક ખેડૂત ધનજીભાઈ વર્ષોથી ખેતીવાડી સંભાળતા હતા, અને તેમના બે પુત્ર પણ ખેતી કામમાં મદદ કરે છે. જેઓની જમીનમાં તાજેતરમાં મગફળી અને કપાસનું વાવેતર કર્યું હતું. પરંતુ વરસાદ ખેંચાયો હોવાથી તેઓનો પાક નિષ્ફળ જતાં ગાંગજીભાઈએ આખરે દેવાના ડુંગરમાં ફસાઈ જવાના બદલે મોતને મીઠું કરી લીધુ હતું, ચાલુ ચોમાસામાં પાક નિષ્ફળ જવાની ચિંતાને પગલે જિલ્લામાં સામે આવેલા આ બનાવે ખેડૂત વર્ગમાં ચિંતા વ્યાપી છે. જોકે મોતના ચોક્કસ કારણો અંગે પોલીસ તમામ પાસાઓની તપાસ કરી રહી છે.