જામનગર શહેર અને જામજોધપુર પંથકમાં પત્નીઓએ પતિને, ભાઈઓએ ભાઈને પોલીસ પાસે પકડાવ્યા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Jamnagar Police : જામનગર શહેર તથા જિલ્લામાં દારૂ પીધેલી હાલતમાં ઘરે આવી પત્ની-પરિવાર સાથે ઝઘડો, ગાળાગાળી અને તોફાન કરનારા પાંચ શખ્સ સામે પોલીસે કાર્યવાહી કરી ધોરણસર ધરપકડ કરી છે. નોંધપાત્ર બાબત એ છે કે, આ પાંચ પૈકી કેટલાક કિસ્સામાં પત્નીઓએ પોતાના પતિને, જ્યારે ભાઈઓએ પોતાના ભાઈને પોલીસના હવાલે કરાવવા માટે જનરક્ષક સેવા 112માં ફોન કરી પોલીસની મદદ લીધી હતી.
જામનગરના અંધાશ્રમ આવાસ બ્લોક નં. 27માં રહેતા ખુશીબેન જીતુભા જાડેજાએ 112માં ફોન કરી જણાવ્યું હતું કે, તેમના પતિ જીતુભા વસ્તાજી જાડેજા (ઉ.વ. 30) દારૂ પીધેલી હાલતમાં ઘરે આવી તોફાન કરી તેમને હેરાન કરે છે. પોલીસ સ્થળે પહોંચી જીતુભાને પોલીસ મથકે લઈ ગઈ હતી. તપાસ દરમિયાન મોઢામાંથી કેફી પ્રવાહીની તીવ્ર વાસ, આંખો લાલ તથા ચાલતી વખતે શરીરનું સંતુલન જાળવી ન શકતા હોવાની સ્થિતિ જણાતાં અને કોઈ પાસ-પરમિટ ન હોવાથી દારૂબંધીના કાયદા હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી.
જામનગરના ડી-પ્લોટ વિસ્તારમાં ગૌતમભાઈ મૂળજીભાઈ ચાંદ્રાએ પોતાના નાના ભાઈ દીનેશભાઈ મૂળજીભાઈ ચાંદ્રા (ઉ.વ. 25) વિરુદ્ધ 112માં જાણ કરી હતી. દીનેશભાઈ દારૂ પીધેલી હાલતમાં ઘરે આવી ભાઈ સાથે બોલાચાલી અને ઝઘડો કરતા હોવાની જાણ થતાં પોલીસ પહોંચી હતી. તપાસમાં જીભ થોથરાતી, આંખો નશાથી લાલ તથા શરીરનું સંતુલન જાળવી ન શકતા હોવાનું જણાયું હતું. પાસ-પરમિટ ન હોવાથી કલમ 66(1)(બી) તથા 85(1) હેઠળ ગુનો નોંધી ધરપકડ કરાઈ હતી.
જામજોધપુર તાલુકાના શેઠવડાળા ગામે રેનીશભાઈ જગદિશભાઈ વાઘેલાએ પોતાના નાના ભાઈ વિશાલભાઈ જગદિશભાઈ વાઘેલા (ઉ.વ. 29) દારૂ પીધેલી હાલતમાં ઘરે આવી લથડિયા ખાતા અને બકવાસ કરતા હોવાની 112માં જાણ કરી હતી. પોલીસ સ્થળે પહોંચી વિશાલભાઈને પોલીસ મથકે લઈ ગઈ હતી. તપાસમાં જીભ થોથરાતી, આંખો લાલ અને શરીરનું સંતુલન જાળવી ન શકતા હોવાનું જણાતાં તથા કોઈ પાસ-પરમિટ ન હોવાથી તેમની સામે પણ પ્રોહિબિશન એક્ટની કલમ 66(1)(બી) તથા 85(1) હેઠળ કાર્યવાહી કરાઈ હતી.
જામજોધપુર તાલુકાના વસંતપુર ગામે વધુ એક બનાવમાં જયશીબેન વાઘે પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેમના પતિ રવજીભાઈ પાલાભાઈ વાઘ (ઉ.વ. 40) દારૂ પીધેલી હાલતમાં તેમના પિતાના ઘરે આવી મોટેથી બૂમાબૂમ કરી ગેરવર્તન કરતા હતા. છેલ્લા પાંચ મહિનાથી પતિ સાથે મનમેળ ન હોવાથી જયશીબેન પિતાના ઘરે રહે છે. તા. 4 સપ્ટેમ્બરે સાંજે રવજીભાઈ દારૂ પીધેલી હાલતમાં ત્યાં આવી તોફાન કરતાં જયશીબેને 112માં ફોન કર્યો હતો. પોલીસે રવજીભાઈને પોલીસ મથકે લઈ જઈ તપાસ કરતાં મોઢામાંથી કેફી પ્રવાહીની વાસ, આંખો લાલ અને ચાલવામાં લથડિયા મારતા હોવાનું જણાયું હતું. કોઈ પાસ-પરમિટ ન હોવાથી કલમ 11(1)(બી) તથા 85(1) હેઠળ કાર્યવાહી કરાઈ હતી.
જામનગરના સેતાવાડ વિસ્તારમાં પણ દારૂ પીધેલી હાલતમાં ઘરે આવી પત્ની અને પરિવારજનો સાથે ઝઘડો કરનાર મેહુલભાઈ અશોકભાઈ ભટ્ટ (ઉ.વ. 40) સામે પોલીસે કાર્યવાહી કરી હતી. તેમની પત્ની પુજાબેન મેહુલભાઈ ભટ્ટે તા. 4 સપ્ટેમ્બરની રાત્રે 112માં ફોન કરી જાણ કરી હતી. પોલીસ પહોંચતાં મેહુલભાઈને પોલીસ મથકે લઈ જવાયા હતા. તપાસમાં જીભ થોથરાતી, આંખો નશાથી લાલચોળ અને શરીરનું સમતોલન જાળવી ન શકતા હોવાનું જણાયું હતું. પાસ-પરમિટ ન હોવાથી કલમ 66(1)(બી) તથા 85(1) હેઠળ ગુનો નોંધી ધરપકડ કરવામાં આવી હતી.
જામનગરના ફુલિયા હનુમાન ગોદડિયા વાસમાં સંજયભાઈ કારાભાઈ સનિયાર્યાએ પોતાના ભાઈ અશોકભાઈ કારાભાઈ સનિયાર્યા (ઉ.વ. 45) વિરુદ્ધ 112માં ફોન કર્યો હતો. અશોકભાઈ દારૂના નશામાં ઘરે આવી ગાળો બોલી ઝઘડો તથા તોફાન કરતા હોવાની જાણ થતાં જનરક્ષકની ટીમ સ્થળે પહોંચી હતી. તપાસ દરમિયાન આંખો નશાથી લાલચોળ, ગોચાતી જીભે બોલતા તથા શરીરનું સંતુલન જાળવી ન શકતા હોવાનું જણાયું હતું. કોઈ પરમીટ ન હોવાથી કલમ 66(1)(બી) તથા 85(1) હેઠળ ગુનો નોંધી તેમની ધરપકડ કરાઈ હતી.




