જામનગર જિલ્લાના ધ્રોલ પંથકમાં એક્ટિવા આડે ગાય ઉતરતાં અકસ્માત : સારવાર દરમિયાન 60 વર્ષીય બુઝુર્ગનો ભોગ લેવાયો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Jamnagar Accident : જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના લૈયારા-જાબીડા ગામ વચ્ચેના રોડ પર એક્ટિવા આડે અચાનક ગાય ઉતરી આવતા સર્જાયેલા અકસ્માતમાં 60 વર્ષીય આધેડનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.
પોલીસમાં જાહેર થયેલી વિગત મુજબ, લૈયારા ગામના માનસિંગભાઇ રઘુભાઇ વાઘેલા (ઉં.વ.60) તા.14 જુલાઈના રોજ સાંજના સમયે પોતાના ઘરેથી દૂધ લેવા માટે એક્ટિવા નં. જીજે-10-ઈબી-9685 લઈને નીકળ્યા હતા. દરમિયાન લૈયારા ગામથી જાબીડા ગામ તરફ જવાના રોડ પર સજુભા જટુભા જાડેજાની વાડી સામે અચાનક ગાય આડી ઉતરી આવતા તેમની એક્ટિવા સ્લીપ થઈ ગઈ હતી.
અકસ્મતમાં માનસિંગભાઇને માથા તથા છાતીના ભાગે તેમજ શરીરના અન્ય ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન ફરજ પરના તબીબે તપાસી તેમને મૃત જાહેર કર્યા હતા.
આ અંગે મૃતકના પુત્ર શામજીભાઇ માનસિંગભાઇ વાઘેલાએ ધ્રોલ પોલીસ મથકે જાણ કરતાં પોલીસે બી.એન.એસ.એસ.ની કલમ 194 મુજબ અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.









